નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયની જવાબદારી મળી

ત્રણ રાજ્યોના CMમના નામને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગુરુવારે મોડી રાત્રે ભાજપના ત્રણ કેન્દ્રીય મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને રેણુકા સિંહના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા બાદ જે મંત્રાલયો ખાલી પડ્યા છે, તે અન્ય મંત્રીઓને વધારાના ચાર્જ તરીકે સોંપવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ હવે નરેન્દ્ર સિંહ તોમરના સ્થાને અર્જુન મુંડા તેમના વર્તમાન ચાર્જની સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સંભાળશે. એ જ રીતે શોભા કરંદલાજેને તેમના વર્તમાન ચાર્જ સાથે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ આપવામાં આવી છે. રાજીવ ચંદ્રશેખરને તેમના વર્તમાન ચાર્જની સાથે જલ શક્તિ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હવાલો પણ આપવામાં આવ્યો છે. જ્યારે ડો.ભારતી પ્રવીણ પવારને તેમના વર્તમાન ચાર્જની સાથે આદિજાતિ બાબતોના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.