અમદાવાદ-કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં ચિંતન બેઠક કર્યા પછી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની હારમાં પણ જીત છે. પણ જે લોકો કોંગ્રેસમાં હતાં, અને કોંગ્રેસને ચૂંટણી જીતવામાં મદદ નથી કરી તેમની સામે પગલાં લેવાશે, તેવી ચેતવણી ઉચ્ચારી હતી.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે. ટિકિટની પણ સારી રીતે વહેચણી થઈ છે. કોંગ્રેસ પક્ષે ભાજપને સારી રીતે ઘેરી હતી. કેટલાક લોકો વાતો કરતાં હતાં કે કોંગ્રેસ હારી જવાની છે.. માંડ 20 બેઠકો આવશે, પણ અમે મજબૂત રીતે જીત્યાં છીએ. પુરા દેશને અમે બતાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી જીતી શકે છે, પ્રેમ આપીને ઉભી પણ થઈ શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 90 ટકા લોકો કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડ્યાં છે. 5-10 ટકા લોકો જ કોંગ્રેસથી દૂર રહ્યાં, આવા લોકો સામે કોંગ્રેસ પાર્ટી કાર્યવાહી કરશે. આપ ગમે તેટલા મોટા હોય પણ કોંગ્રેસ પક્ષથી મોટા નથી. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોએ જાન લગાવીને કામ કર્યું છે. તેમને સંગઠનમાં લઈશું. પણ જેણે કોંગ્રેસ વિરુદ્ધ કામ કર્યું છે, તેની સામે પ્યારથી કાર્યવાહી થશે.
રાહુલ ગાંધીના સંબોધનના અંશ
- કોંગ્રેસની આ ચૂંટણીમાં યુવાઓની નવી ટીમ બનશે.
- તમે જોશો કે હવે પછી વિધાનસભામાં યુવાનોની ટીમ કામ કરશે.
- 2017 પછીની વિધાનસભાની ચૂંટણીમાં 135 બેઠકો આવશે, લખી રાખજો…
- કોંગ્રેસ બેઠી થઈ ગઈ છે. તમે બધા અહીંયા બેઠા છો તે તમો બધા કોંગ્રેસના એમ્બેસેડર છો.
- કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બનાવ્યો હતો, તેમાં સામ પિત્રોડા અને મધુસુદન મિસ્ત્રીએ ફાળો આપ્યો હતો, અને તેમનો આભાર
- ગુજરાતની કોંગ્રેસ એ વાત જાણી લે તે ચૂંટણી જીત જશે, તેવી વાત માની લે તો ચૂંટણી જીતી જઈશું.
- હવે પછીની સરકાર કોંગ્રેસની બનશે, પછી પાંચ ઉદ્યોગપતિઓ અને ખેડૂતોની જમીન પાછી મેળવવાની પ્રક્રિયા કરીશું
- દર ત્રણ-ચાર મહિના હું ગુજરાત આવતો રહીશ, તમને મળીશ
- ગુજરાતે મારા દિલમાં જગ્યા બનાવી લીધી છે
- લોકસભાની ચૂંટણીમાં પણ સારા પરિણામ આવશે
- એક ઈંચ પણ પાછા ખસ્યા વગર ભાજપની સામે ચૂંટણી લડીશું
- નવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીજીને અભિનંદન આપ્યા, તેઓ પાંચ વર્ષ સરકાર ચલાવશે
- અમે વિરોધ પક્ષમાં રહીશું
- ગુજરાતની કોંગ્રેસે પાર્ટીમાં પ્રાણ ફૂંકયો છે