ગુજરાત સરકારે ટેકાના ભાવે 283 લાખ મણ મગફળીની ખરીદી કરી

ગાંધીનગર– ગુજરાતના મગફળી પકવતા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લાભપાંચમ 25 ઓક્ટોબરથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી હતી. આ ખરીદી અન્વયે 22 ડિસેમ્બર 2017 સુધીમાં 56 લાખ 59 હજાર 90 ક્વિન્ટલ એટલે કે 283 લાખ મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા થઇ છે.રાજ્ય સરકારે પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલા ટેકાના ભાવ ઉપરાંત ક્વિન્ટલ દીઠ 50 રૂપિયા બોનસ આપી 4500 રૂપિયાના ભાવે આ ખરીદી કરીને 2 લાખ 93 હજાર ખેડૂતોને કુલ 2546.59 કરોડ રૂપિયાનો લાભ આપ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ના 23 જિલ્લામાં 266 જેટલા કેન્દ્રો મારફત આ ખરીદી થઇ રહી છે.

કૃષિ વિભાગના અગ્ર સચિવે આ વિગતો આપતા જણાવ્યું કે આ ખરીદી રાજ્ય નોડલ એજન્સીઓ મારફત કરવામાં આવે છે, એટલું જ નહીં ખરીદ થયેલી મગફળી કેન્દ્ર પરથી ગોડાઉન પર મોકલવા માટે ખેડૂતોને કોઇ ખર્ચ કરવાનો રહેતો નથી. આ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા ખરીદ સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે છે. રાજ્ય સરકાર ટેકાના ભાવે થતી આ ખરીદીનું રોજેરોજ મોનીટરીંગ પણ કરે છે. તેમણે રાજ્યના ધરતી પુત્રોને આ ટેકાના ભાવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી ખરીદી નો વ્યાપક લાભ લેવા અપીલ કરી છે.