રાહુલ ગાંધી શનિવારે સોમનાથ દર્શન કરી અમદાવાદમાં ચિંતન બેઠક કરશે

અમદાવાદ– ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને ભલે જીત ન મળી હોય, પણ તેમની બેઠકોની સંખ્યામાં વધારો થયો છે, જેને જીત જ માનવામાં આવી રહી છે. કોંગ્રેસના નવા નિમાયેલ પ્રમુખ રાહુલ ગાંધી આવતીકાલે શનિવારે સવારે ગુજરાત આવી રહ્યાં છે. સવારે 10.30 વાગ્યે તેઓ સોમનાથ દર્શન કરીને પછી અમદાવાદ આવશે. જીએમડીસી કન્વેન્શન હોલમાં કોંગ્રેસની હારમંથન બેઠકમાં ઉપસ્થિત રહીને મંથન કરશે.રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાત વિવિધ મંદિરોમાં જઈને દર્શન કરીને પૂજા કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. ત્યાં તે વખતે વિવાદ થયો હતો. બિન-હિન્દુ રજિસ્ટરમાં રાહુલ ગાંધીનું નામ નોંધાયું હતું. તે રજિસ્ટર બહાર આવી ગયું હતું. જેણે મોટો વિવાદ સર્જયો હતો. ત્યાર પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસે સ્પષ્ટતાઓ કરી હતી કે રાહુલ ગાંધી જનોઈધારી છે, અને શિવભક્ત છે.

સોમનાથ દર્શન કરીને રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસની ચિંતન બેઠકમાં હાજર રહેશે, જેમાં ગુજરાતના ચારેય ઝોનના અગ્રણીઓ અને હારેલા તેમજ જીતેલા ધારાસભ્યો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરશે. પ્રદેશ કોંગ્રેસની ચિંતન બેઠક છેલ્લા ત્રણ દિવસથી મહેસાણામાં ચાલી રહી છે, ત્યાં પ્રદેશ નેતાઓ દ્વારા હારનું મંથન થયું છે. હવે તેઓ રાહુલ ગાંધીને મળીને વિવિધ રજૂઆતો કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]