અમદાવાદ: તારીખ 6 જુલાઈના રોજ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંઘી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગુજરાત મુલાકાતે આવશે. રાહુલ ગાંધી ગુજરાતની આ મુલાકાત દરમિયાન અમદાવાદ પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આવશે. કોંગ્રેસ કાર્યલયમાં પર થયેલા ઘર્ષણની માહિતી મેળવવા સાથે તેએ કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરશે. આ ઉપરાંત આ મામલાને લઈ જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે.
રાહુલ ગાંધીના આ ગુજરાત પ્રવાસને લઈ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, આવતીકાલે 12.30 વાગ્યે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોને મળશે અને સંબોધન કરશે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાોના પીડિત પરિવારોને પણ રાહુલ ગાંધી મળશે. જેમાં રાજકોટ અગ્નિકાંડ,વડોદરા હરણી કાંડ,સુરત તક્ષશિલા કાંડ અને ઉના કાંડ સહિતના કેટલાક પીડિતો રાહુલ ગાંધીને મળવા આવશે. રાહુલ ગાંધી અમદાવાદમાં દોઢથી બે કલાક રોકાશે. આ ઉપરાંત કોંગ્રેસ ભવનના પાર્કિંગ પ્લોટમાં કાર્યકરોને સંબોધશે.
2 જુલાઈએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસ કચેરીએ વિરોધ કરવા આવ્યા હતા, એને લઈને કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે કોંગ્રેસ ઓફિસની બહાર જ ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં બંને પક્ષે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં બંને પક્ષના કાર્યકરો અને પોલીસકર્મચારીઓને ઈજા પહોંચી હતી, જે બનાવ અંગે પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરની ધરપકડ કરી છે અને અનેકની સામે ફરિયાદ નોંધી છે. રાહુલ ગાંધી આ તમામ કાર્યકરોને મળશે.