તલગાજરડામાં પૂ.મોરારિબાપુ દ્વારા ‘પ્રેરણાપથનો પ્રવાસી’ પુસ્તકનું વિમોચન

તલગાજરડા (મહુવા): “શરીરથી નાના કદનો, કોઇપણ પદ વિનાનો મનુભાઈ, સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્ર સ્થાને છે.” આ શબ્દો રામકથાકાર પૂજ્ય મોરારિબાપુએ ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે કીન્તુ ગઢવી લિખિત અને શ્રી નવજીવન મુદ્રણાલય દ્વારા પ્રકાશિત માનવ સેવા ટ્રસ્ટની પ્રવૃતિઓ અને તેના ચેરમેન મનુભાઈ બારોટના જીવન સંઘર્ષની કથાના પુસ્તક “પ્રેરણાપથનો પ્રવાસી”ના વિમોચન પ્રસંગે ઉચ્ચાર્યા હતા. પૂજ્ય મોરારિબાપુએ જણાવ્યું હતું કે નળકાંઠાના વિસ્તારોમાં પક્ષી કે માછલી પકડનારા માછીમારોની જાળ મુકાવી દેનાર મનુભાઈએ સમાજસેવાની એટલી મોટી જાળ બિછાવી છે કે અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ તેમની સેવાપ્રવૃત્તિમાં ખભેખભા મિલાવીને કામ કરે છે. મનુભાઈ અને તેમના ટ્રસ્ટની સેવા કાર્યોની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાવી જોઈએ.

સાણંદ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કુપોષણ નિવારણ અભિયાન, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, સામાજિક વિષય પર ગાંધીગીરી, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યો, માતૃવંદના કાર્યક્રમ, પર્યાવરણ સુરક્ષા માટે નળ સરોવરની પદયાત્રા, ‘બેટી વધાવો’ કાર્યક્રમ જેવા અનેકવિધ કાર્યક્રમો નિયમિત રૂપે સમાજસેવાના ઉમદા હેતુથી થયા કરે છે જેને સાણંદ વિસ્તારની વિવિધ કંપનીઓ, ઉદ્યોગ જૂથો, દાતાઓ અને શ્રેષ્ઠીઓનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ પ્રસંગે વાદી સમુદાયના સવજીનાથ વાદીએ વાદી પરંપરાના પરંપરાગત ખેલ રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં નિવૃત શિક્ષકો શ્રીવાસ્તવ અને ઘનશ્યામ ગઢવી, ગાંધી આશ્રમ અમદાવાદના નિયામક અતુલભાઈ પંડ્યા, સંયુક્ત માહિતી નિયામક-અમદાવાદ હિમાંશુ ઉપાધ્યાય, જાણીતા તબીબ ડૉ. તપન શાહ, લેખક કિન્તુ ગઢવી સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.