સોમપુરા ફાઉન્ડેશન હવે નવા મંદિરોના નિર્માણમાં યુવા પેઢીને માર્ગદર્શન આપશે

અમદાવાદઃ પ્રાચીનકાળથી ભારત અને વિશ્વભરમાં ભવ્ય હિન્દુ મંદિરો અને જૈન દેરાસરોના શિલ્પ સ્થાપત્ય અને મહાલયોના નિર્માણકાર્યમાં અમૂલ્ય યોગદાન આપનાર સોમપુરા જ્ઞાતિએ પોતાની યુવા પેઢીને કામગીરી સંબંધિત સચોટ માર્ગદર્શન આપવા સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશનના માધ્યમથી નિયમિત ધોરણે વિશેષ કાર્યક્રમો યોજવાની વિશેષ પહેલ કરી છે. આનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના યુવાન અને ઉભરતાં કલાકારો વચ્ચે ભારતીય કળા, સંસ્કૃતિ અને પ્રાચીન સ્થાપત્યોના સાહિત્યો અંગે જાગૃતિ અને સમજણનો પ્રસાર કરવાનો છે.

સમાજના યુવાનો વચ્ચે ઉદ્યોગ સાહસિકતાના ગુણો વિકસાવવા તથા નવીન કામગીરી અપનાવવા માટે તેમને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા ફાઉન્ડેશન ભારત અને વિદેશોના વિવિધ વિષયોના નિષ્ણાંતો, શિક્ષણવિદો, પ્રોફેશ્નલ્સ અને ટેમ્પલ પ્લાનર્સને આમંત્રિત કરીને વિશેષ સત્રોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. આનાથી દેશના જૂના અને પ્રાચિન મંદિરો અને સ્થાપત્યોની વૈજ્ઞાનિક ઢબે જાળવણી કરવામાં તથા ટેક્નોલોજી અને વિજ્ઞાનના સુમેળ સાથે નવા મંદિરોના નિર્માણ સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહેશે.

ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઇ સોમપુરાએ જણાવ્યું, રાષ્ટ્રના સમૃદ્ધ પ્રાચિન વારસા, કલા અને કારીગરીની કાળજી રાખવી એ આપણી અને યુવા પેઢીની જવાબદારી છે. આજે ઝડપથી બદલાતા વિશ્વમાં પ્રાચિન કળા-કારીગરી સાથે નવી ટેક્નોલોજીને સાંકળવી અત્યંત જરૂરી છે, જેનાથી મજબૂત અને ભવ્ય સ્થાપત્યોના નિર્માણ કરવામાં મદદ મળી રહેશે. સમાજનીયુવા પેઢીને સોમપુરા સમુદાય દ્વારા વર્ષોથી કરાયેલી કામગીરીથી અવગત કરાવવા અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત યુવાનોને નિષ્ણાંતોના માર્ગદર્શન, નવીન ટેક્નોલોજી, ઇનોવેશન તથા માહિતીસભર પુસ્તકોની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સાથે માઉન્ટ આબુ, રાણકપુર, મોઢેરા સૂર્ય મંદિર, ખજુરાહો, કોણાર્ક, સ્વામિનારાયણ મંદિર સંબંધિત વિગતો-કેસ સ્ટડી ધરાવતા પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]