કેવીક હતી પરંપરા? જાણવું હોય તો આવો ઢાલની પોળના આ ફેસ્ટીવલમાં…

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ઢાળની પોલ ફેસ્ટિવલ શરુ થયો છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ઢાળની પોળનાં રહેવાસીઓ અને જાહેર સમુદાય માટે માટે ફરી એક વાર પર્યાવરણને અનુકૂળ નવા સોલ્યુશન અને તકો વિશે જાણકારી આપવામાં આવશે. અઠવાડિયા લાંબા આ ફેસ્ટિવલમાં વોલ પેઇન્ટિંગ વર્કશોપ તથા આર્ટ એન્ડ આર્કિટેક્ચર એક્ઝિબિશનનું આયોજન થશે. કિડ્સ હેરિટેજ વોક, સંગીત અને નૃત્ય, પોલમાં યોગ તથા ફૂડ મેરેથોન જેવી વિવિધ એક્ટિવિટી પણ યોજાશે.

શહેરીકરણ, સ્થળાંતરણ અને જીવનશૈલીમાં પરિવર્તનનાં યુગમાં ઘણા ભારતીય શહેરોમાં સદીઓથી ચાલી આવતી સ્થાનિક સામાજિક-આર્થિક વ્યવસ્થામાં નુકસાનકારક ફેરફારો થયા છે. આ વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવી જરૂરી છે, કારણ કે આપણી પરંપરાના આ પાસાથી શહેરની જીવંતતા અને વિવિધતા જાળવી રાખવામાં મદદ મળે છે.

“સમાજને પરત કરવાની ભાવના” સાથે બ્રિહતી ફાઉન્ડેશન અમદાવાદનાં જૂનાં શહેરમાં છેલ્લા બે વર્ષથી ઢાળની પોળમાં ખુલ્લી જગ્યાઓની સ્થિતિ સુધારવા કામ કરે છે. આ પ્રોજેક્ટ માટે ટીમે રહેવાસીઓ માટે જાહેર સમુદાય ઉપયોગ કરી શકે એવી જગ્યા ઊભી કરી છે, જેનો ઉપયોગ રમતનાં મેદાન, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવા, વોલ પેઇન્ટિંગ્સ અને ઇન્સ્ટોલેશન દ્વારા સ્ટ્રીટ આર્ટને ફરી શરૂ કરવા માટે થશે. આ વિવિધ એક્ટિવિટીનો આશય આ પોળોમાં સદીઓથી આવતી પંરપરાની જાણકારી નવી પેઢીઓને આપવાનો છે. ઉપરાંત વનસ્પતિઓની મૂળ 25 પ્રજાતિઓ સાથે બાગબગીચાઓ ઊભા કરવા, ચોક અને ઓટલા, ચોકડી જેવા સ્થાપત્યકળાઓનાં વારસાને જાળવવામાં પણ આવે છે. આ પહેલનો આશય કોટા સ્ટોનની ફૂટપાથ અને જૂનાં ઘરોનાં રવેશ પણ જાળવવાનો છે.