ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IITGN)ના ડિરેક્ટર પ્રોફેસર સુધીર કે. જૈન એન્જિનિયરો, વિશ્વના શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓની મશહૂર અગ્રણી સંસ્થા યુએસ નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ (US NAE)ના આંતરરાષ્ટ્રીય સભ્ય તરીકે ચૂંટાયા છે. હાલમાં US NAEમાં ભારતમાંથી ફક્ત 16 આંતરરાષ્ટ્રીય સભ્યો છે, જેમાં રતન ટાટા, મુકેશ અંબાણી, એન. આર. નારાયણ મૂર્તિ, ડો. કિરણ મજૂમદાર શો અને ડો. રઘુનાથ એ માશેલકરનો સમાવેશ થાય છે.
પ્રોફેસર જેન એ વર્ષ 2021માં 23 આંતરરાષ્ટ્રીય સભ્યોમાં સામેલ છે અને આ પ્રતિષ્ઠિત સંસ્થામાં હાલમાં ચૂંટાયેલા આઇઆઇટીના એકમાત્ર ડિરેક્ટર છે. ત્રીજી ઓક્ટોબર, 2021ની NAEની વાર્ષિક બેઠકમાં તેમને ઔપચારિક રીતે સામેલ કરવામાં આવશે. US NAE દ્વારા નવ ફેબ્રુઆરી, 2021એ આ જાહેરાત કરવામાં આવી હતી અને આ સંસ્થામાં 2355 અમેરિકાના સભ્યો અને 298 આંતરરાષ્ટ્રીય સભ્યો છે.
એન્જિનિયર રિસર્ચ, પ્રેક્ટિસ અથવા શિક્ષણ ક્ષેત્રે એક એન્જિનિયરના મહત્ત્વના યોગદાન માટે, એન્જિનિયરિંગ સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન સહિત અને ટેક્નોલોજીના નવા અને વિકસતા ક્ષેત્રોમાં પહેલ કરવા માટે નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગમાં એન્જિનિયરને ચૂંટણીમાં ચૂંટી કાઢવામાં આવે છે. વળી, NAEમાં વ્યક્તિગત રીતે સભ્યપદ માટે અરજી કરી ના શકાય. સભ્યો એક વર્ષની લાંબી પ્રક્રિયા પછી –હાલના NAEના સભ્યો દ્વારા સભ્યને ચૂંટી કાઢવામાં આવે છે. પ્રોફેસર જૈનને વિકાસશીલ દેશોમાં ભૂકંપ એન્જિનિયરિંગના નેતૃત્વ માટે સંસ્થા ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
મારા માટે આ ગર્વની બાબત છે. એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, વેપાર ક્ષેત્રના ટોચના નેતાઓ સાથે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર મને આઇઆઇટી અને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવા બદલ હું US NAEના સાથી સભ્યોનો હું આભારી છું, એમ પ્રોફેસર સુધીર જૈને કહ્યું હતું.