વડા પ્રધાનને હસ્તે વંદે ભારત એક્સપ્રેસ, મેટ્રો ટ્રેનનું લોકાર્પણ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રાજ્યમાં બીજો દિવસ છે. તેમણે આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેમણે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-1નું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. વડા પ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવ્યા હતા. તેઓ ગાંધીનગર, અમદાવાદ તેમ જ બનાસકાંઠામાં  વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને ખાતમુર્હૂત પણ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વડા પ્રધાને વંદે ભારત ટ્રેનમાં તેમ જ મેટ્રો ટ્રેનની મુસાફરીમાં કર્મચારીઓ સાથે અને  મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે રેલવે કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

ત્યાર બાદ તેમણે કાલુપુર મેટ્રો સ્ટેશનેથી મેટ્રોની મુસાફરીનો આનંદ લીધો હતો. વડા પ્રધાન મોદી મેટ્રોને પ્રસ્થાન કરાવ્યા બાદ માત્ર 35 મિનિટમાં કાલુપર મેટ્રો સ્ટેશનથી થલતેજ પહોંચ્યા હતા. તેઓ મેટ્રો ટ્રેનમાં બેસી થલતેજમાં જાહેર સભાના સ્થળે પહોંચ્યા હતા. તેમને વધાવવા માટે જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા હતા.

રાજ્યમાં વંદે ભારત ટ્રેન કવચ ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી હતી. આ ટેક્નિક બે ટ્રેન વચ્ચેના અકસ્માત થતો અટકાવે છે. આ સ્વદેશી ટેક્નિકમાં ખર્ચમાં પણ ઘટાડો થયો છે.

અમદાવાદમાં 40 કિલોમીટર લાંબા મેટ્રો ફેઝ-1ને રૂ. 12,000 કરોડને ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જેનો વડા પ્રધાનને હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેટ્રો ટ્રેન  શહેરના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણને જોડશે.

મેટ્રો ટ્રેનના રૂટ પર પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દૂરદર્શન કેન્દ્ર  અનેથલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈ કોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને APMC મેટ્રો સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે.