PM મોદીએ 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું વડા પ્રધાને ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોથી હકડેઠઠ ભરાયેલું હતું. આ પ્રકારની નેશનલ ગેમ્સનું આયોજન સૌપ્રથમ વાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં કરવામાં આવ્યું છે. દેશમાંથી 7000થી વધુ એથ્લીટો આ નેશનલ ગેમ્સમાં ભાગ લેશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. 

પ્રદેશના ભાજપ એકમે વડા પ્રધાને નેશનલ ગેમ્સના ઉદઘાટન પ્રસગને ટ્વીટ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની બે દિવસની મુલાકાતે છે. સુરત, ભાવનગરમાં અનેક વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા પછી તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. વડા પ્રધાને 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરતાં પૂર્વે હેલિકોપ્ટરમાંથી સ્ટેડિયમનો એરિયલ વ્યુ ટ્વીટ કર્યો હતો.

36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન થયા પછી આ કાર્યક્રમમાં ઘણા એવા કલાકારો છે, જેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાની કલાના કામણ પાથરશે. તેલગંણાથી આવેલું ગ્રુપ તેમની સમક્ષ આદિવાસી નૃત્ય રજૂ કરશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકોમાં પણ આ ઇવેન્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પહેલી વાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. રાજ્યનાં છ મહાનગરોમાં 36 જેટલી રમતો રમાશે. રાજ્યમાં ગેમ્સનું અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે નેશનલ ગેમ્સ માટે રૂ. 530 કરોડની ફાળવણી કરી હતી, જ્યારે રાજ્ય સરકારે રૂ. 70 કરોડ ફાળવ્યા હતા. આ પ્રકારના રમતોત્સવમાં રૂ. 700 કરોડ ખર્ચ કરવામાં આવશે.દેશભરમાં વિવિધ રાજ્યોમાંથી રમતવીરો ગુજરાત આવશે. રાજ્યમાં આજથી નેશનલ ગેમ્સ યોજાશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં વડા પ્રધાન મોદી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે, ત્યારે તેમને સાંભળવા એક લાખની જનમેદની એકઠી થશે.

નેશનલ ગેમ્સમાં અમદાવાદમાં સાત જગ્યાએ રમાવાની છે, જેમાં મોટેરા સ્ટેડિયમ, ટ્રાંસ્ટેડિયા, રિવરફ્રન્ટ, સંસ્કારધામ, કેન્સવિલે, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, રાઇફલ ક્લબ, ક્રાઉન શૂટિંગ એન્ડ આર્ટસ કંપનીમાં વિવિધ સ્પર્ધા યોજાશે. નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે ખાસ વોલ્વોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ખેલાડીઓ કોઈ પણ પ્રકારની અગવડતા વિના સ્ટેડિયમમાં પહોંચી શકે.