જામનગરમાં રાવણ દહનની તડામાર તૈયારીઓ શરૂ

જામનગર: નવરાત્રિના તહેવારને બે દિવસની બાકી છે. હવે ગુજરાતભરમાં દશેરાના તહેવારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જામનગરમાં પ્રતિવર્ષ સિંધી સમાજ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 12 ઓક્ટોબરના પ્રદર્શન મેદાનમાં વિજ્યાદશમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શનિવારે સાંજ પછી પ્રદર્શન મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સિંધી સમાજ દશેરા કમિટીના આગેવાનો, કારોબારી સભ્યો સહિતના પદધિકારીઓ દ્વારા કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવવામાં રહ્યા છે. જેમાં લંકા પતિ રાજા રાવણની 35 ફૂટના કદની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. અને તેમાં મોટી માત્રામાં દારૂ ગોળો ભરવામાં આવ્યો છે. ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણની 30 ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે. જેમાં પણ મોટી સંખ્યામાં દારૂખાનું સમાવવામાં આવ્યું છે, અને કાર્યક્રમ માટેની ભરપૂર તૈયારીઓ થઈ રહી છે. સાથે સાથે નાનકપુરીથી શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના રાજમાર્ગો પર ફરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરીપૂર્ણ થશે. જેમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી આદર્શ ભારતમાતા ગરબી મંડળમાં દેવી-દેવતા અને મહાપુરુષોની વેશભૂષા ધારણ કરનાર કલાકારો પણ સામેલ થશે અને ઘોડે સવારી કરીને અથવા અન્ય રીતે શોભાયાત્રામાં જોડાશેએ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.