અંબાજીઃ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મામલે વિવાદ થતાં મોહિની કેટરર્સનો કોન્ટ્રેક્ટ રદ કરી નાખવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે. અંબાજી પોલીસે જતીન શાહની ધરપકડ કરી છે. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે 300 ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા. હવે સરકાર પ્રસાદ બનાવવાનું કામ અક્ષયપાત્ર સંસ્થાને સોંપે એવી શક્યતા છે. હવે પોલીસ પૂછપરછમાં આ મામલે વધુ ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા છે.
જો કે જતીન શાહ સામે ગુનો નોંધાયા બાદ તે બે દિવસથી ફરાર હતો. ત્યારે હવે આરોપી જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે, જેથી વધુ માહિતી બહાર આવે એવી સંભાવના છે.
અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનો દાવો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સે કર્યો હતો. ત્યારે અંબાજી પોલીસની ટીમે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સમાંથી 15 કિલોના ઘીના ત્રણ ડબ્બા કબજે કર્યા હતા.
યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના નિષ્ફળ જતા ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સનું પેમેન્ટ અટકાવવામાં આવશે. મોહિની કેટરર્સે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે.
પ્રસાદમાં વપરાયેલુ ઘી માન્ય ડેરીના બદલે નીલકંઠ ટ્રેડર્સમાંથી ખરીદ્યું હતું. મોહિની કેટરર્સ નીલકંઠ ટ્રેડર્સમાંથી 300 ડબ્બા ઘી ખરીદ્યું હતું. 300 માંથી 120 ઘીના ડબ્બાનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રસાદમાં સસ્તાની લાયમાં અખાદ્ય ઘીનો પ્રસાદમાં ઉપયોગ કર્યો હતો.
