બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૭મો જન્મજયંતી મહોત્સવ આણંદ ખાતે ભવ્યતા, દિવ્યતાથી ઉજવાયો

આણંદ – બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ૨૭ નવેમ્બર, ૨૦૧૭ના રોજ માગસર સુદ આઠમે તિથિ મુજબ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૭મો જન્મજયંતી મહોત્સવ આણંદ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો.

વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આણંદના બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિનું ગુરૂ પૂજન કરી ગુરૂ ભક્તિ અદા કરી હતી. ત્યારબાદ અક્ષરફાર્મમાં પ્રાતઃ પૂજા બાદ પ્રમુખસ્વામી મહારાજ જન્મ જયંતી નિમિત્તે સ્વામીશ્રીની સ્મૃતિ કરીને આશીર્વાદ આપતા જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે સૌને રાજી કર્યા છે. તેઓ હંમેશા આપણને અનુકુળ થયા છે. હવે આપણે તેમની જેમ અનુકુળ થઈને સંપ, સુહ્રદયભાવ, એકતા રાખીને સત્સંગ કરવાનો છે.

આજના દિવસે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ૯૭મી જન્મ જયંતી મહોત્સવની મુખ્ય સભામાં કુલ બે લાખ હરિભક્તો અને ભાવિકોએ લાભ લીધો હતો જે માટે આણંદ-સોજીત્રા રોડ પર વલાસણ-મોરડ નજીક ૨૦૦ એકરની વિશાળ ભૂમિ પર સ્વામીનારાયમ નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ અને જન સમાજ માટે પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરી દીધો હતો. જે સમાજના મહાનુભાવથી લઈને જન સામાન્ય સુધી ક્યારેય પણ, કોઇથી પણ ભૂલી શકાય તેમ છે જ નહીં એવી સૌના હૃદયની ભાવના સાથે ‘ગુરુજી નહીં ભૂલું તમને’ના બીજ વિચાર સાથે જન્મ જયંતીના મુખ્ય ઉત્સવના કાર્યક્રમની ગૂંથણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અસરકારક રજૂઆત માટે ૩૦ સંતો અને ૨૦૦ સ્વયંસેવકોએ એક મહિનો મહેનત કરીને ૧૮૦ ફૂટની લંબાઈ, ૧૦૦ ફૂટની પહોળાઈ અને ૫૫ ફૂટની ઉંચાઈ ધરાવતા, સુંદર નકશીકામ અને સૌમ્ય રંગોની પુરણી યુક્ત કમાનો, મોર અને હાથીની નયન રમ્ય મુદ્રાઓ યુક્ત આકર્ષક સ્ટેજ ખડું કર્યું હતું. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી શ્રોતાઓ મંચ પરની રજૂઆતને નજીકથી રસપૂર્વક નિહાળી શકે તે માટે ૧૪ વિશાલ એલ.ઈ.ડી. સ્ક્રીન સભા સ્થળે જુદા જુદા અંતરે મૂકવામાં આવ્યા હતા. આ મહોત્સવના કુલ ૩૪ જેટલા વિવિધ સેવાના વિભાગોમાં કુલ ૧૫૦૦૦ ઉપરાંત સ્વયંસેવકોમાં ૮૫૦૦ પુરુષ અને ૬૫૦૦ મહિલા સ્વયંસેવકો ખડે પગે સંસ્થાના માર્ગદર્શન હેઠળ કાર્યરત હતાં.

સાંજે ૫.૦૦ વાગ્યાના નિર્ધારિત સમય અનુસાર કાર્યક્રમ શરૂ થયો તે પૂવે હરિભક્તોનો સમૂહ સ્વયંસેવકોની દોરવણી મુજબ સભામાં સ્થાન લેતો હતો. ધૂન-સ્તુતિ સાથે સભાની શરૂઆત બાદ ‘ગુરુજી નહીં ભૂલું તમને’ના કેન્દ્રીય વિચારને પુષ્ટ કરતા કાર્યક્રમોની હારમાળા રજૂ થઇ હતી. પ્રમુખસ્વામી મહારાજનો નિસ્વાર્થ પ્રેમ, સ્વામીશ્રીના યોગમાં આવ્યા બાદ જીવન પરિવર્તન, સ્વામીશ્રીની દેહાતીત સ્થિતિ, તેમની સરળતા, તેમની ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિના અનેક પ્રસંગોના પ્રત્યક્ષ સાક્ષીઓએ મંચ પરથી પોતાના સ્વાનુભવો રજૂ કર્યા હતા. જેની વચ્ચે કેટલાક દસ્તાવેજી વિડિયોનું પણ નિદર્શન રજૂ થયું હતું. આ પ્રસંગે વિદ્વાન સંતોએ પણ પોતાના સ્વાનુભવો વ્યક્ત કર્યા હતા. સ્વામીશ્રીના અંતેવાસી અને ૪૦ કરતા પણ વધુ વર્ષો સુધી સ્વામીશ્રી સાથે વિચરણ કરનાર પૂજ્ય વિવેકસાગર સ્વામીએ આણંદનો જ પ્રસંગ રજૂ કરતા જણાવ્યું હતું કે આણંદ શહેરમાં સ્વામીશ્રી પધરામણી કરીને બપોરે બે વાગ્યે પોતાના ઉતારે જમવા આવ્યા તે સમયે એક હરિભક્તે આવીને રજૂઆત કરી કે બાપા તમે મારા ઘેર આવ્યા હતા પણ હું બહાર ગયો હતો તો તમે ફરીથી પધારો. તે સમયે સ્વામીશ્રીએ જમવાનું છોડી ભરબપોરે તેના ઘરે જઈ તેને રાજી કર્યા હતા. આ ઉપરાંત સદગુરૂ સંતો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી (ભક્તિપ્રિય સ્વામી), પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રમુખસ્વામીના સ્વાનુભવો, પ્રેરક પ્રસંગો દ્વારા રજૂ કરીને સ્વામીશ્રીના દિવ્ય વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનો ચિતાર જોતા જણાય કે સ્વામીશ્રીને ક્યારેય ભૂલી શકાય તેમ છે જ નહીં.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે યૂએઈના અગ્રગણ્ય બિઝનેસમેન તથા સીરિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભૂતપૂર્વ પ્રમુખના પૌત્ર નઝીમ અલ કુદ્સી પણ પધાર્યા હતા. નઝીમ અલ કુદ્સીએ પોતાની યુવાન અવસ્થામાં પ્રમુખસ્વામી મહારાજે તેમના કરેલા આમૂલ પરિવર્તનનો સ્વાનુભાવ ગદગદ હૈયે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે વિશ્વભરમાંથી પધારેલા લાખો હરિભક્તો સાથે હું પણ પ્રમુખસ્વામી મહારાજને શત શત નમન કરીને આજના દિવસે તેમની જન્મ જયંતીમાં ભક્તિભાવથી જોડાઉં છુ. તેઓ એક દિવ્ય પરમ તત્વ હતા. જેમની નિસ્વાર્થ સેવા, માનવતા અને શ્રદ્ધાપૂર્વકના પુરુષાર્થે અગણિત જીવોના મનમાં એક અદ્દભુત પ્રભાવ ઉભો કર્યો છે.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ૯૭મી જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે બી.એ.પી.એસ.ના છઠ્ઠા આધ્યાત્મિક ગુરૂ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો રજૂ કરી સ્વામીશ્રીના વિવિધ ગુણો ઉજાગર કર્યા હતા અને આશિષ આપ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત બે લાખ જેટલા હરિભક્તોએ શ્રદ્ધાપૂર્વક હાથમાં દીવડાઓ સાથે સમૂહ આરતી ઉતારી હતી ત્યારે આકાશમાંથી અસંખ્ય તારલાઓ અવનિ પર ઉતરી ટમટમતાં હોય તેવું અદભુત દ્રશ્ય સર્જાયું હતું. અંતે પ્રવક્તાએ જાહેરાત કરતા જણાવ્યું કે બી.એ.પી.એસ. સંસ્થા લોકોને સાંસ્કારિક તથા નૈતિક માગે દોરી જવા વર્ષોથી સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન કરી રહી છે. જન સમાજને આ પ્રવૃતિનો વિશેષ લાભ મળે તે હેતુથી આ પ્રવૃતિને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિદ્યાલય-ઈગ્નુ યુનિવર્સિટી સાથે જોડવામાં આવી છે જેમાં પરીક્ષાર્થી અભ્યાસ કરીને ઉત્તરોત્તર બી.એ., એમ.એ., પી.જી. ડીપ્લોમા કે પી.એચ.ડી.ની પણ વિધિવત ડિગ્રી સ્વામીનારાયણ વૈદિક અધ્યયન દ્વારા પ્રાપ્ત કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાત દિવસ સુધી ચાલેલા પ્રમુખ સ્વામી મહારાજ ૯૭મા જન્મ જયંતી ઉપક્રમે બી.એ.પી.એસ. સંસ્થાના મહિલા-પુરુષ હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા કુલ ૩૬૧ બોટલ રક્તદાન કરીને સામાજિક સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું live.baps.org તથા આસ્થા ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.