1 લાખ કિડની અને 25,000થી વધુ લિવર પ્રત્યારોપણની જરૂર છે

અમદાવાદ– ગુજરાત રાજ્યની એકમાત્ર સરકારી ગ્રાન્ટ-ઇન-એઈડ સંસ્થા ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં 25 જેટલાં કેડેવર અંગ દાતાઓનાં પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું, અને 20 નવેમ્બરે આઠમો રાષ્ટ્રીય અંગદાન દિવસને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવ્યો. સૂરત, રાજકોટ, ભાવનગર, કરમસદ, અમદાવાદ વગેરે જગ્યાએથી બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો જે તે વ્યક્તિને કિડની, લિવર તથા પેનક્રિયાસ મળ્યાં હતાં, તેમનું સંમેલન યોજાયું અને અત્યંત લાગણીસભર દૃશ્ય સર્જાયા હતા.ભારત સરકારનાં નેશન ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) દ્વારા વર્ષ 2010થી સમાજમાં અંગદાન વિશેનું જ્ઞાન વ્યાપક પ્રમાણમાં વધે તે હેતુથી નિયમિત રીતે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે. કિડની ઈન્સ્ટીટયુટના નાયબ નિયામક ડો. વિણાબેન શાહે માહિતી આપી હતી કે દર વર્ષે આશરે 5 લાખ લોકો હૃદય, કિડની, ફેફસાં, લિવર તથા અન્ય અંગોનાં ફેઈલ્યોરથી પીડાય છે. આપણા દેશમાં લગભગ 1 લાખથી વધુ કિડની પ્રત્યારોપણ તથા 25,000થી વધુ લિવર પ્રત્યારોપણની જરૂર છે અને તેની સામે ફક્ત 7500 કિડની અને 1500 લિવર પ્રત્યારોપણ થાય છે. મોટાભાગનાં (80%) કિડની અને લિવર પ્રત્યારોપણ એ પરિવારનાં કોઈ સભ્ય અંગદાન કરે ત્યારે થાય છે અને ફક્ત 20% પ્રત્યારોપણો બ્રેઈનડેડ વ્યક્તિનાં અંગદાનથી થાય છે. ભારતમાં દર વર્ષે આશરે 1.5 લાખ વ્યક્તિઓને માથાની ગંભીર ઈજા રોડ ટ્રાફિક અકસ્મામનાં કારણે અથવા બ્રેઈન હેમરેજનાં કારણે થાય છે. જો બ્રેઈનડેડ વ્યક્તિનાં નજીકનાં સગા અંગદાન કરવાનો નિર્ણય કરે તો ઘણાં બધાં દર્દીઓને આ અંગોનાં પ્રત્યારોપણોથી નવું જીવન મળી શકે તેમ છે. એક બ્રેઈનડેડ વ્યક્તિમાંથી બે કિડની, લિવર, બે ફેફસાં, હૃદય, પેનક્રિયાઝ, આંખો, હાડકાં તથા તેની મજ્જા (બોનમેરો) મળી શકે તેમ હોય છે. સને 1997માં ગુજરાત સરકારે હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ પસાર કર્યો ત્યારથી અત્યાર સુધીમાં 745 કિડની અને 248 લિવર ટ્રાન્સપ્લાન્ટ કેડેવર ડોનરમાંથી ઈસ્ટીટયુટ ઓફ કિડની ડિસિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદમાં થઈ ચૂક્યા છે. જે ભારતની સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરનાર પબ્લિક સેક્ટર સંસ્થા છે.

આ કાર્યક્રમમાં ડો. પ્રાંજલ મોદીએ અંગદાનની પ્રક્રિયા અને અંગોનું પ્રત્યારોપણ કેવી રીતે કરવામાં આવે છે તેની સમજ આપી. દરેક અંગદાતા પરિવારને ઓમનું પ્રતિક, સર્ટીફિકેટ તથા શાલથી પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદી, રસિકભાઈ મહેતા, માધવ રામાનુજ અને ડો. વિણાબેન શાહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં. અંગ પ્રાપ્ત કરનાર દર્દીઓએ ભાવાત્મક થઈ અંગદાતા પરિવારનો તેમજ ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદનાં તમામ સ્ટાફનો નવું જીવન મળવા બદલ આભાર માન્યો.