વડોદરા: શહેરના દક્ષિણ વિભાગના અનેક વિસ્તારોમાં વીજ રીપેરીંગની કામગીરીને કારણે 25થી 30 એપ્રિલ દરમિયાન સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. લાલબાગ વિભાગની કચેરીના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો અગાઉથી જાણ કર્યા વિના ચાલુ કરાશે. નાગરિકોને અસુવિધા ન થાય તે માટે આગોતરું આયોજન કરવા વિનંતી કરાઈ છે.
તરસાલી સબ ડિવિઝનમાં 25 એપ્રિલ (શુક્રવાર)ના રોજ હાઇવે ફીડરની આસપાસના વિસ્તારોમાં વીજ બંધ રહેશે. જીઆઇડીસી સબ ડિવિઝનમાં 25 એપ્રિલે સ્કાઈ ઓનિક્સ ફીડર, 27 એપ્રિલ (રવિવાર)ના રોજ તિરુપતિ ફીડર અને 28 એપ્રિલ (સોમવાર)ના રોજ યુજી 3 ફીડરના આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરંભે પડશે. આ ઉપરાંત, માંજલપુર સબ ડિવિઝનમાં 29 એપ્રિલ (મંગળવાર)ના રોજ નંદનવન ફીડર અને વાડી સબ ડિવિઝનમાં 28 એપ્રિલે રામ ચોક ફીડર તથા 30 એપ્રિલ (બુધવાર)ના રોજ ભવાની કુંજ ફીડરના આસપાસના વિસ્તારોમાં વીજ બંધ રહેશે.
આ રીપેરીંગ કામગીરી વીજ વિતરણની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અનિવાર્ય છે. લાલબાગ વિભાગે નાગરિકોને વીજ પુરવઠો બંધ રહેવાના સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે. વધુ માહિતી માટે વીજ વિભાગની નજીકની કચેરીનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
