રાજ્યમાં 1-5 ડિસેમ્બરે મતદાન, 8મી એ પરિણામ

નવી દિલ્હીઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થશે. રાજ્યમાં એક અને પાંચ ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ હિમાચલ પ્રદેશની સાથે આઠ ડિસેમ્બરે આવશે. રાજ્યની 182 વિધાનસભાનો કાર્યકાળ આગામી 18 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખોને જાહેર કરતાં પહેલાં મોરબીની દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. અમે પ્રાર્થના કરીએ છીએ કે મૃતકોના આત્માને શાંતિ મળે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 1274 મતદાન કેન્દ્રોનો વહીવટ સંપૂર્ણ રીતે મહિલાઓ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. સૌપ્રથમ વાર 33 મતદાન કેન્દ્રોની સ્થાપના અને વહીવટ સૌથી ઓછી વયના મતદાન કર્મચારી કરશે.

રાજ્યમાં પહેલા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન 5 નવેમ્બરે બહાર પડશે. બીજા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન 10 નવેમ્બરે બહાર પાડવામાં આવશે. પહેલા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર અને બીજા તબક્કા માટે 17 નવેમ્બર રહેશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, જ્યારે બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મતદાન થવાનું છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજવામાં આવશે. આ ચૂંટણીમાં રાજ્યમાં રાજ્યમાં કુલ 4.9 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે અને તેમના માટે 51,782 મતદાન કેન્દ્રો ઊભાં કરવામાં આવશે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 142 બેઠકો સામાન્ય જ્યારે 13 એસસી અને 27 એસટી ઉમેદવારો માટે આરક્ષિત છે.

આ ચૂંટણીમાં ફોર્મ 12-ડી ભરનારા સિનિયર સિટિઝન્સને ઘેરબેઠા મતદાનની સુવિધા આપવામાં આવશે. રાજ્યમાં આઠ લાખથી વધુ 80 વર્ષની વય ધરાવતા નોંધાયેલા મતદારો છે.