અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પછી આવતી કાલે-28 ફેબ્રુઆરીએ યોજાનારી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીપ્રચારના પડઘમ ગઈ કાલથી શાંત થયા છે, તમામ પાર્ટીઓએ મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે હવે ઉમેદવારો માત્ર ડોર-ટુ-ડોર અને ગ્રુપ-બેઠકો કરીને જ ચૂંટણીપ્રચાર કરી શકાશે.
રાજ્યમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે મતદાન થશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ આવતી કાલે મતપેટીમાં બંધ થશે. આ ચૂંટણીનું પરિણામ બીજી માર્ચએ જાહેર થશે.
આવતી કાલે 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકાની 4774 બેઠકો, 81 પાલિકાની 2720 બેઠકોની સામાન્ય તથા ત્રણ તાલુકા 13 પાલિકાની 17 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે, જે અત્યાર સુધીમાં 25 જિલ્લા 117 તાલુકા 95 બેઠકો બિનહરીફ થઈ છે.
આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આપ દ્વારા તાલુકા નગરપાલિકામાં લગભગ 2000 ઉમેદવારોને ઊભા રાખ્યા છે, જ્યારે આદિવાસી પટ્ટીમાં બીટીપી અને AMIMના ગઠબંધનથી ઉમેદવારો જિલ્લા-તાલુકા પંચાયતમાં ઊભા રહ્યા છે .મહાનગરો કરતાં ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે,એ વાત નક્કી છે.
81 નગરપાલિકાની 2524 બેઠકો માટે ભાજપના 2555 અને કોંગ્રેસે 2247 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે આપે 719 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને અન્ય 1724 જેટલા મળીને કુલ 7245 ઉમેદવારો મેદાનમાં છે 2524 બેઠકમાંથી 95 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
રાજયમાં ચૂંટણી પંચ દ્વારા મતદાન પૂર્વેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ આપવામાં આવ્યા છે.