રાજ્યનાં ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુની મુદતમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્યમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાએ ફરી વકરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિ રહ્યા હતા. આ કોરોના કમિટીમાં રાજ્યનાં ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ આગામી 15 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફ્યુ યથાવત્ રહેશે.

રાજ્યમાં ચૂંટણી પહેલાં કોરોનાના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં, પણ ફરી એક વાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વાર વકર્યું છે અને દરરોજના કેસ 400ને પાર પહોંચી ગયા.

આ જ કારણે હવે ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ પહેલી માર્ચથી વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. વળી, કરફ્યુના સમયમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી. આ રાત્રિ કરફ્યુ 15 માર્ચ સુધી અમલી રહેશે. રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતાં અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રિ કરફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. શરૂઆતમાં રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કરફ્યુનો અમલ થતો હતો. એ પછી રાજ્ય સરકારે રાતના 11 વાગ્યા સુધી બજારો ખુલ્લાં રહી શકે તેવી છૂટછાટ આપી હતી. અને એ પછી રાહત આપતા કરફ્યુનો સમય રાત્રે 12 કલાકથી સવારે છ કલાકનો કરવામાં આવ્યો હતો. હવે એ સમયને વધુ 15 દિવસ માટે વધારવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે. હાલ ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુની મુદ્દત 28 ફેબ્રુઆરીના પૂર્ણ થતી હતી. એ પહેલાં જ રાત્રિ કરફ્યુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]