સ્થાનિક-સ્વરાજની ચૂંટણી: ગ્રામિણ મતદારોમાં મતદાનનો વધુ ઉત્સાહ

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો આજે બીજો તબક્કો હતો. સવારે 7 વાગ્યાથી શરૂ કરાયેલી મતદાન પ્રક્રિયાનું સાંજે 6 વાગ્યે સમાપન થયું હતું. જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું હતું. 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકો માટે અંદાજે 60.27 ટકા મતદાન થયું હતું, 231 તાલુકા પંચાયતોની 4774 બેઠકો માટે 61.81 ટકા અને 81 નગરપાલિકાઓના 680 વોર્ડની કુલ 2720 બેઠકો માટે 53.69 ટકા મતદાન થયું હતું. બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. પહેલા તબક્કામાં છ મોટા શહેરોની મહાનગરપાલિકાઓનું મતદાન 21 ફેબ્રુઆરીએ થયું હતું અને એનાં પરિણામ પણ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. આજના મતદાનના આંકડાઓ દર્શાવે છે કે શહેરી વિસ્તારો (મહાનગરપાલિકાઓ) કરતાં ગ્રામિણ વિસ્તારોનાં લોકોએ મતદાન માટે વધારે ઉત્સાહ બતાવ્યો છે.

નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે સૌથી વધારે મતદાન તાપીમાં થયું હતું – 70.6 ટકા. જિલ્લા પંચાયતોમાં સૌથી વધારે – 71.16 ટકા મતદાન ડાંગમાં થયું જ્યારે તાલુકા પંચાયતોમાં પણ સૌથી વધારે મતદાન ડાંગમાં થયું – 71.84 ટકા.  જિલ્લા પંચાયતોમાં 30114 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા જ્યારે તાલુકા પંચાયતોમાં 30770 અને નગરપાલિકાઓમાં 4814 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. આજની ચૂંટણીમાં 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થશે. આ ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]