અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે 1 જાન્યુઆરી, 2025થી રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ રાખવું ફરજિયાત કર્યું હતું. જોકે, મોટાભાગના રિક્ષા ચાલકોએ આ નિયમનું પાલન ન કરતાં શહેર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. અત્યાર સુધીમાં મીટર વગર ચાલતી 28,112 રિક્ષાઓ વિરુદ્ધ ₹1.56 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે રિક્ષા ચાલકોને અપીલ કરી છે કે, તેઓ મીટર ફરજિયાત લગાવે જેથી દંડ અને કાનૂની કાર્યવાહીથી બચી શકે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, રિક્ષા ચાલકો મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો મળી હતી. 1 જાન્યુઆરીથી મીટર વગર રિક્ષા ચલાવનાર સામે દંડ થશે, બીજી વખત ઉલ્લંઘન થાય તો પરમિટ રદ અને રિક્ષા ડિટેઇન થશે. રિક્ષા ચાલકો દર વર્ષે RTOમાં રિન્યૂઅલ વખતે મીટર લગાવે છે, પરંતુ તેનો ઉપયોગ નથી કરતા.
સામાન્ય નાગરિકોની ફરિયાદોને ધ્યાને લઈને આ નિયમ લાગુ કરાયો હતો. રિક્ષા ચાલકો વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદોને પગલે નાગરિકોની સુવિધા માટે મીટર ફરજિયાત કરવામાં આવ્યું. નિયમના અમલ પહેલાં ચાલકોને 31 ડિસેમ્બર, 2024 સુધી મીટર લગાવવા સમય આપવામાં આવ્યો હતો. હવે મુસાફરો માટે મીટર પ્રમાણે ભાડું નક્કી કરવું ફરજિયાત છે.
