સુરતઃ રાજ્યની સુરત પોલીસે વાહનોની તપાસ દરમ્યાન એક કારમાંથી 15 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત કરોડોમાં છે. પોલીસે આ સંદર્ભે બે જણની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ધરપકડ કરવામાં આવેલા શખસે જણાવ્યું હતું કે તેઓ આ સોનું મહીધરપુરાથી ઉંભેલના એક કારખાનામાં લઈ જઈ રહ્યા હતા. આરોપીઓ આ સોનું કપડાંમાં છુપાવીને લઈ જઈ રહ્યા હતા. જ્યારે પોલીસે ચેકપોસ્ટ પર કાર રોકીને તપાસ કરી, ત્યારે સોનાની આ ખેપ પોલીસને મળી હતી. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ સોનું ક્યાંનું છે અને એને કારખાના સુધી કેમ લઈ જવામાં આવી રહ્યું છે.
આઇગોલ્ડી જ્વેલર્સના સંચાલકના પિતા અને એક કર્મચારીને અટકાયતમાં લઇ તેમની પાસેથી સોનાની બિસ્કિટ, ભુક્કો અને ટુકડા સહિત રૂ. 8.58 કરોડની કિંમતનું 14.700 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. બંને પાસેથી પોલીસને સ્વિસ કંપનીના માર્કાવાળા 100 ગ્રામનાં એવાં 14 સોનાનાં બિસ્કિટ પણ મળી આવતાં મામલો દાણચોરીનો હોવાની પ્રબળ આશંકાઓ છે. પોલીસે કારની તપાસ કરતાં પાછળ લોખંડના સળિયા પડ્યા હતા. એ મામલો શંકાસ્પદ લાગતાં પાંચેયની તલાશી લેતાં 65 વર્ષીય મગન ધનજી ધામેલિયા અને તેના કર્મચારી હિરેન ભરત ભટ્ટી પાસેથી સોનાના બિસ્કિટ, ટુકડા અને ભુક્કા સ્વરૂપે સોનું મળી આવ્યું હતું.
પોલીસે કાર અટકાવી તેમાંથી પાંચ વ્યક્તિઓ મળી હતી. જે પૈકી બે પાસે સોનું હતું. બંનેએ સોનું આંતરિક વસ્ત્રોમાં છુપાવીને રાખ્યું હતું. સોનું છુપાવવા માટે આરોપીઓએ સ્પેશિયલ બનિયાન બનાવી હતી, જેમાં ગુપ્ત ખિસ્સાં હતાં. આ ખિસ્સામાંથી આશરે 15 કિલોની ઉપરનું સોનું મળતાં પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.