‘સાહેબ, કાલથી તો કાંઇ ખાવા-પીવાનું ય મળ્યું નથી. નથી કોઇ અહીં મદદ કરનાર. કાંઇપણ કરીને હવે રસ્તો કરોને…’
ગયા બુધવારે, એટલે કે 25 માર્ચે, સવારના સમયે અમદાવાદમાં રહેતા બિઝનેસમેન દીપક અગ્રવાલનો ફોન રણક્યો અને સામે છેડેથી ડ્રાઇવરે આમ કહયું ત્યારે અમદાવાદ સહિત આખું ય ભારત લોકડાઉન હેઠળ કેદ થઇ ચૂક્યું હતું. ઘરની બહાર ઉંબરો ઓળંગવાની ય મનાઇ હતી એ માહોલમાં અસાધારણ સ્થિતિમાં ફસાયેલો એક ટ્રક ડ્રાઇવર દીપકભાઇ પાસે મદદની જુહાર કરી રહયો હતો.
વાત એમ હતી કે હેવી માલ-સામાન ભરેલો એક ટ્રક મોરબીથી નીકળીને અમદાવાદ આવી રહયો હતો. દીપકભાઇને એ માલ-સામાન અમદાવાદની એક ફાર્માસ્યુટીકલ કંપનીને સપ્લાય કરવાનો હતો. જીવનજરૂરી ચીજો હેઠળ સમાવેશ થતો હોઇ એમની પાસે પરવાનગી ય હતી. મોરબીથી ફૂલ માલ-સામાન ભરેલો ટ્રક લઇને ડ્રાઇવર ઉદયભાઇ ઠક્કર ગયા શનિવારે, એટલે કે 21 મી માર્ચે, અમદાવાદ આવવા નીકળ્યા ત્યારે કદાચ કોઇને ય પરિસ્થિતિ આટલી ગંભીર બનશે એવો અંદાજ નહોતો.
અને ભારેખમ વજનથી લાદેલો ટ્રક લઇને અમદાવાદ આવવા નીકળેલા ઉદયભાઇને પણ એવો અંદાજ નહોતો કે, જીવનનું સૌથી મોટું સંકટ બગોદરા પાસે રાહ જોઇને બેઠું હતું! મોડી રાત્રે બગોદરાથી બાવળા તરફના રસ્તે નવેક કિલોમીટર એ પહોંચ્યા હશે ત્યાં ટ્રક ખોટવાયો. આ માહોલમાં દિવસે ય ટ્રાફિક ન હોય તો અડધી રાત્રે કોણ મિકેનીક મળે? બીજે દિવસે તો રવિવાર હતો એટલે આમ પણ બધું બંધ અને સોમવારથી તો પરિસ્થિતિ વણસવા લાગી એટલે ઉદયભાઇ માટે હાલત વધારે કફોડી થઇ ગઇ. ટ્રક રિપેર કરવા માટે ગેસ-કટરના મશીનની જરૂર હતી, પણ આવી હાલતમાં તો મિકેનીક ય મળતો નહોતો, મશીનની ક્યાં વાત કરવી? બાકી હતું તે, ખિસ્સામાં જે કાંઇ થોડી ઘણી રકમ હતી એ પણ ચા-નાસ્તામાં ખર્ચાઇ ચૂકી હતી. એકબાજુ, વડા પ્રધાન સહિત આખું ય સત્તા-તંત્ર (અને આરામદાયક ઘરમાં બેઠેલી સેલીબ્રીટીઝ) લોકોને ઘરમાં બેસવાની અપીલ કરી રહયા હતા ત્યારે ડ્રાઇવર ઉદયભાઇ રસ્તા પર રઝળતાં હતાં, એ ઉમ્મીદથી કે કોઇક એમને મદદ કરે તો પોતે ય ઘરે પહોંચી શકે!
બુધવાર સવાર સુધી ક્યાંયથી મદદના કોઇ એંધાણ ન મળ્યા એટલે હારી-થાકીને ઉદયભાઇએ જેમનો માલ-સામાન ભરીને આવતા હતા એ દીપકભાઇને ફોન લગાડ્યો. દીપકભાઇ જરૂરી ખાવા-પીવાની સામગ્રી લઇને પોતાની કારમાં બગોદરા જવા રવાના ય થયા, પણ સરખેજ સર્કલ સુધી પહોંચ્યા એટલે પોલીસે અટકાવ્યા. દીપકભાઇએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પોલીસ છે તે એમ માને?
દીપકભાઇ ચિત્રલેખા.કોમ ને કહે છેઃ મેં એ પછી પોલીસ કંટ્રોલના નંબર પર અને બીજા ઓળખીતા-પાળખીતા મારફત ઘણા પ્રયત્નો કર્યા કે કોઇક રીતે પોલીસની મદદ મળે, પણ સ્વાભાવિક રીતે પોલીસની પ્રાથમિકતા ય જૂદી હતી. મને ટ્રકની કે માલની ચિંતા નહોતી. ટ્રક તો અઠવાડિયું રસ્તા પર ક્યાંક પાર્ક થઇ શકે, પણ ડ્રાઇવરનું શું?
સવાલ એ હતો કે આ સ્થિતિમાં હવે શું થઇ શકે?
પણ જે થવાનું હતું એ હવે જ થવાનું હતું!
એક પછી એક એમ મોબાઇલ નંબરો જોડતાં જોડતાં દીપકભાઇની વાત કન્ટેન્ટ રાઇટર અને સોશિયલ મિડીયામાં સક્રિય એવા નિશા અને અર્પિત સાથે થઇ. નિશાએ ડ્રાઇવરની ગંભીર પરિસ્થિતિને સમજીને મદદ માટે ટ્વિટર પર ટહેલ નાખી. ટ્વિટર પર સક્રિય રહેતા સોશિયલ મિડીયા કન્સલ્ટન્ટ કુમાર મનીષ સહિત મિત્રોને ટેગ કર્યા. બસ, વાત ડેપ્યુટી કલેક્ટર કુંજલ શાહ સુધી પહોંચી ગઇ. એમણે તરત જ ટ્વિટર પરથી આખી વાત જાણીને બગોદરા પીએસઆઇ મેહુલ ચૌહાણને જાણ કરી.
દીપકભાઇની નવાઇ વચ્ચે ટ્વિટ કર્યાની ફક્ત પચાસ મિનીટની અંદર તો પીએસઆઇ મેહુલ ચૌહાણ અને એમની ટીમ ટ્રક ડ્રાઇવર ઉદયભાઇ ઠક્કર પાસે પહોંચી ચૂકી હતી. એ તો ઠીક, બગોદરા પોલીસના આ ફરજનિષ્ઠ કર્મીઓએ ભૂખ્યા-તરસ્યા ડ્રાઇવરને પહેલા તો ચા-નાસ્તો કરાવ્યા. જમાડ્યા અને ગેસ કટરનું કામ કરી આપનાર મિકેનીકને પણ શોધી આપ્યા. ટ્રક રિપેર થાય ત્યાં સુધી એમની પડખે રહયા અને ટ્રક અમદાવાદ પહોંચાડવામાં જરૂરી વ્યવસ્થા ય કરી આપી. પીએસઆઇ મેહુલ ચૌહાણ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં બહુ સહજ રીતે જ કહે છે કે, આ સંજોગોમાં કોઇ માણસ ભૂખ્યું હોય એ તો આપણાથી કેમ જોવાય?
બસ, એમના આ શબ્દોમાં જે પડઘાય છે એને જ માનવતા કહેતા હશે.
સાર એ પણ છે કે, સોશિયલ મિડીયાનો એક સારો ઉપયોગ કેવી રીતે એક વ્યક્તિને આફતમાંથી ઉગારી શકે છે.
(કેતન ત્રિવેદી)