લૉકડાઉનમાં શું કરવું એનો ઉપાય વલસાડ પોલીસે બતાવ્યો

વલસાડઃ નોવેલ કોરોના વાયરસ જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. એની ભયાનકતાની હવે બધાને ખબર છે. તા.૨૪/૦૩/૨૦૨૦ ના રોજ ૨૧ દિવસ માટે સમગ્ર દેશમાં લૉકડાઉન અમલમાં મુકવામાં આવેલ છે. એ પછી ઠેર ઠેર પોલીસના માનવતાવાદી કાર્યોની ચર્ચા અને પ્રશંસા બધી તરફ છે. તેવા સમયે આ ૨૧ દિવસ ઘરમાં રહેવાના સમયનો કલાત્મક અને રચનાત્મક સદ્ઉપયોગ વલસાડ જીલ્લાની પ્રજા કરે એવી પહેલ વલસાડ જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ લોકડાઉનની પરિસ્થિતીમાં વલસાડ જિલ્લા પોલીસ પ્રજાની સેવામાં ખડે પગે ફરજ પર તૈનાત અને કટીબદ્ધ છે. ત્યારે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી ચિત્રલેખા.કૉમ સાથે વાત કરતા કહે છે, પ્રજાના સમયનો સદ્ઉપયોગ થાય તે માટે આ સમય દરમ્યાન સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃતિ થકી વ્યકિતગત પ્રતિભા વિકસે અને લોકો ઘરમાં રહી પોતે તેમજ દેશવાસીઓ સંક્રમણથી બચે તે હેતુથી “સર્જન-૨૧” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડીએસપી સુનીલ જોશી કહે છે, અમે જ્યારે વિચાક કર્યો ત્યારે દરેક ઉંમરના લોકો ઘરમાં રહીને કશુંક સર્જનાત્મક કરે અને લૉકડાઉનના સમય દરમ્યાન એમનું માનસિક સ્વાસ્થય જળવાયેલું રહે એ માટે આ પ્રવૃતિઓનો વિચાર આવ્યો છે. પ્રવૃતિ માટે જે સાધનાે, પુસ્તકો લોકોને મોકલવાના છીએ એને દવાખાનાઓની મદદથી સંપૂર્ણ સેનેટાઈઝ કરીને મોકલવામાં આવશે.

વલસાડ પોલીસની આ પહેલમાં ૨-૩ પોલીસ કર્મીઓ કાર્યરત રહેશે. લોકો જે સર્જન મોકલશે એની તપાસવા માટે શિક્ષકો અધ્યાપકોની મદદ લેવામાં આવશે. ટૂંકમાં લૉકડાઉન દરમ્યાન તમે સાહિત્ય સર્જન કરો, ચિત્ર બનાવો, વિડીયો બનાવો તો પોલીસને જાણ કરો, આ લૉકડાઉન દરમ્યાન કૅરમ-ચેસ લેવાની ઈચ્છા થાય કે પુસ્તકો વાંચવાની ઇચ્છા થાય તો વલસાડ પોલીસને જાણ કરો. તમારા સર્જનનું મુલ્યાંકન થશે અને લૉકડાઉન પછી વિજેતાઓને પ્રોત્સાહીત કરાશે. આ લૉકડાઉન દરમ્યાન ગુજરાત પોલીસના માનવતાવાદી અને સર્જનાત્મક ચહેરા સામે આવી રહ્યા છે.

વલસાડ જીલ્લામાં રહેતી કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે.

કઈ અને કેવી સ્પર્ધા થશે? આ રહ્યા વિગત અને નિયમો.

(૧) સાહિત્ય-કલા સ્પર્ધા
(૨) કેરમ બોર્ડ તથા ચેસ વિતરણ વ્યવસ્થા અને સ્પર્ધા
(૩) વિડીયો કૃતિ સ્પર્ધા
(૪) ટેસ્ટ પેપર સિરીઝ
(૫) સંગીતના સાધનોની વિતરણ વ્યવસ્થા અને સ્પર્ધા
(૬) પુસ્તકોની વિતરણ વ્યવસ્થા (નિઃશુલ્ક)

“સર્જન-૨૧” માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવા મો.નં.૮૩૨૦૩૦૩૫૧૧ ઉપર તમારૂં નામ, સરનામું, ઉંમર (જન્મતારીખ સહિત), મો.નંબર (વોટ્સએપ યુઝ) વિગેરે માહિતી વોટ્સએપ મેસેજથી મોકલવી.
(૧) સાહિત્ય-કલા સ્પર્ધાઃ-
સાહિત્ય વિભાગઃ-
૧. નિબંધ લેખન
ર. કાવ્ય લેખન
૩. ગઝલ-શાયરી લેખન
૪. વાર્તા લેખન
કલા વિભાગઃ-
૧. ચિત્રકલા
(૨) કેરમ બોર્ડ તથા ચેસ વિતરણ વ્યવસ્થા અને સ્પર્ધાઃ-
૧. કેરમ
ર. ચેસ
• લોકડાઉનના ૨૧ દિવસના અંતે કેરમ બોર્ડ તથા ચેસ રમતની સ્પર્ધાનું વયજૂથ પ્રમાણે જાહેર આયોજન કરવામાં આવશે.
• લોકડાઉનના સમય દરમ્યાન પ્રેકટીસ કરવા માટે કેરમ બોર્ડ તથા ચેસ સેટ બજાર કિંમતે માંગણી પ્રમાણે આપના રહેઠાણના સ્થળે સેનેટાઇઝ્ડ રીતે વેચાણથી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

(૩) વિડીયો કૃતિઃ-
• સ્પર્ધકે પોતાની વ્યકિતગત પ્રતિભા પ્રદર્શિત કરતા વધુમાં વધુ ત્રણ મિનિટ સુધીનો વિડીયો બનાવી વોટ્સએપના માધ્યમથી મોકલવાનો રહેશે.
જેવા કે નૃત્ય, સંગીત(ગાયન,વાદન), નાટક, એકપાત્રીય અભિનય, મિમિક્રી, કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા અંગે જનતાને સંદેશ આપતા તેમજ પ્રેરતા વિડીયો વિગેરે.
(૪) ટેસ્ટ પેપર સિરીઝઃ-
• ધોરણ-૮ થી ૧૦ ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની ટેસ્ટ પેપર સિરીઝ
• ધોરણ-૧૧ અને ૧૨ ના JEE, NEET તેમજ GUJCET ની ટેસ્ટ પેપર સિરીઝ
(૫) સંગીતના સાધનોની વિતરણ વ્યવસ્થા અને સ્પર્ધાઃ-
• ગીટાર, માઉથ ઓર્ગન અને કી-બોર્ડ(કેશીયો/ઓર્ગન)ની બજાર કિંમતે માંગણી પ્રમાણે આપના રહેઠાણના સ્થળે સેનેટાઇઝ્ડ રીતે વેચાણથી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
(૬) પુસ્તકોની વિતરણ વ્યવસ્થાઃ-
• જાહેર કરવામાં આવનાર લિસ્ટ પૈકીના ઉપ્લબ્ધ પુસ્તકો સંપુર્ણપણે નિઃશુલ્ક વહેલા તે પહેલાના ધોરણે આપના રહેઠાણના સ્થળે સેનેટાઇઝ્ડ રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે લિસ્ટ વોટ્સએપ પર જાહેર કરવામાં આવશે.

(ફયસલ બકીલી)