રેલવે ટ્રેકના સહારે વતન જવા મજબૂર મજૂરો

અમદાવાદઃ શહેરમાંથી પોતાના વતન તરફ જતા અસંખ્ય લોકો માર્ગો પર જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારથી જ શહેરના ચાંદલોડિયા વિસ્તારથી કલર કામ કરતા કારીગરોનો એક જથ્થો રેલવે ટ્રેક ઉપર પગપાળા પોતાના ગામ તરફ જવા રવાના થયો હતો. મૂળ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી કલર કામના અસંખ્ય કારીગરો પેટિયું રળવા ગુજરાત રાજ્યમાં આવતા હોય છે. કોરોના વાયરસની મહામારીથી ફેલાયેલી દહેશત અને સરકારી ફરમાનો વચ્ચે ઘણાં શ્રમિકો શહેરોમાં ફસાયેલા છે. કેટલાક મહામુસીબતે વતન પહોંચી ગયા તો હવે મહામારી અને મારની બીકે શ્રમિકો આંતરિયાળ રસ્તા પર કે રેલવે ટ્રેક પર પગપાળા જતા જોવા મળી રહ્યા છે. મૂળ ઉત્તર ભારતના આ શ્રમિકો ચિત્રલેખા.કોમને કહે છે કે, અહીં હાલ કામ નથી, પૈસા વગર જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે રઝળપાટ કરવી પડે અને વતનમાં પરિવારને ચિંતા થાય એના કરતાં પરિવહન મળે કે ના મળે ચલતે ચલતે હમેં બસ ઘર જાના હૈ….!

(પ્રજ્ઞેશ વ્યાસ)