રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઇમ્સનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ પડકારજનક રહ્યું છે. દેશમાં વેક્સિનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ સુધી રસી પહોંચડવાની કામગીરી ચાલી રહી છે. રાજકોટમાં એઇમ્સથી રોજગારીનું સર્જન થશે. 2021માં વિશ્વને સ્વાસ્થ્યને લઈને વધુ જાગ્રત બનશે. વિશ્વને ભારત મેડિકલ નિષ્ણાત આપશે. દરેક રાજ્યમાં એઇમ્સ પહોંચાડવાનું લક્ષ્ય છે. આજે ભારત પાસે પૂર્ણ ક્ષમતા અને ભાવના છે. કોરોના વાઇરસનું સંક્રમણ ઘટી રહ્યું છે, પણ દેશવાસીઓએ સાવધાની રાખવી જરૂરી છે.
વડા પ્રધાને ગુજરાતવાસીઓને એઇમ્સ માટે શુભકામનાઓ પણ આપી હતી. તેમણે કોરોના વોરિયર્સને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકોને હવે ગંભીર બીમારી માટે બહાર નહીં જવું પડે. તેમણે કહ્યું હતું કે ગરીબ દર્દીઓને સારી સારવાર મળી છે. જનઔષધિ કેન્દ્રો દ્વારા દર્દીઓને 90 ટકા સસ્તી મળે છે. આ હોસ્પિટલમાં 5000થી વધુ નોકરીઓનું થશે સર્જન થશે.
રાજકોટના એઇમ્સના ખાતમુર્હૂત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
રાજકોટ નજીક ખંઢેરી-પરાપીપળિયામાં રૂ. 1195 કરોડના ખર્ચે 750 બેડની અત્યાધુનિક એઇમ્સની આ હોસ્પિટલ નિર્માણ પામશે. આ હોસ્પિટલ 200 એકર જગ્યામાં નિર્માણ થશે, જેમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે.