વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 22 મી ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવ્યાને હજુ 48 કલાક પૂરા થયા છે ત્યાં ફરી તેઓ ગુજરાત – સૌરાષ્ટ્રના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે તેઓ જામનગર આવી રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાનના સૌરાષ્ટ્રના પ્રવાસને લઈને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
આજે શનિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ તેઓ જામનગર આવી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. રવિવારે તા.25 મી એ તેઓ બેટદ્વારકા , દ્વારકા અને રાજકોટની મુલાકાતે આવશે. વડાપ્રધાન સૌરાષ્ટ્રને આ પ્રવાસ દરમિયાન બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ અને રાજકોટમાં એઇમ્સ માં આઇપીડી સહિતના મહત્વના પ્રોજેક્ટ નું લોકાર્પણ કરશે. રાજકોટથી વડાપ્રધાન મોદી સમગ્ર સૌરાષ્ટ્રના કેન્દ્ર અને રાજ્ય હસ્તકના 70 જેટલા પ્રોજેક્ટ આશરે રૂપિયા 48000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ગુજરાતને 35700 કરોડના પ્રકલ્પોની ભેટ મળશે.
દ્વારકાથી બપોરે 3.20 કલાકે વડાપ્રધાન હેલિકોપ્ટર મારફત સીધા રાજકોટ નજીક AIIMS ના પરિસરના હેલિપેડ પર પહોંચશે. આશરે રૂપિયા 1000 કરોડના ખર્ચે તૈયાર થનાર એઈમ્સ માં આઇપીડી ( ઈન્ડોર પેશન્ટ વિભાગ ) સહિત અનેક વિભાગોમાં સુવિધાઓનું લોકાર્પણ કરશે. અગાઉ નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં રાજકોટ એઈમસનું ખાતમુહુર્ત કર્યું હતું. બાદમાં આરોગ્ય તંત્રએ કોરોના કાળમાં ઓપીડી શરૂ કરી દીધી હતી. તા. 25 મી એ વડાપ્રધાન રાજકોટથી દેશમાં વધુ પાંચ AIIMS ની જાહેરાત કરશે.
રાજકોટમાં મોદી જૂના એરપોર્ટેથી રેસકોર્સ સુધીનો રોડ શો યોજશે. બપોરે 4 કલાકે રેસકોર્સ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધન કરશે.
રાજકોટથી જે પ્રોજેક્ટ નુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે તેમાં કેન્દ્રના ઊર્જા વિભાગ ના 16295 કરોડના 10 પ્રોજેક્ટ, પેટ્રો કેમિકલ્સ વિભાગ ના 9028 કરોડ , શ્રમ અને રોજગાર વિભાગના 2280 કરોડના 21 પ્રોજેક્ટ, રેલવેના 20109 કરોડ ના ચાર પ્રોજેક્ટ, નેશનલ હાઈ વે ના 3882 કરોડ ના વિકાસ કામોને લીલીઝંડી આપશે.
આ ઉપરાંત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના રૂપિયા 1584 કરોડના 12 પ્રોજેક્ટ, પાણી પુરવઠા વિભાગ ના 287 કરોડના ત્રણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
રાજકોટ ખાતેની સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે. સૌરાષ્ટ્રમાં થી આશરે એક લાખ લોકો હાજર રહે તેવી વ્યવસ્થા ભાજપ સંગઠને ગોઠવી છે. વડાપ્રધાનનું રાજકોટમાં કાઠિયાવા ડી પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરોઃ નીશુ કાચા)