ભરૂચઃ ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં આવેલા કેમિકલના એક કારખાનામાં ગઈ વહેલી સવારે લગભગ 3 વાગ્યે થયેલા વિસ્ફોટમાં છ કામદારનાં મરણ નિપજ્યા છે. ભરૂચના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ લીના પાટીલે કહ્યું કે, મૃતકો એક ભઠ્ઠી પાસે કામ કરતાં હતાં. સોલ્વન્ટ ડિસ્ટીલેશન પ્રક્રિયા વખતે ભઠ્ઠીમાં અચાનક ધડાકો થયો હતો અને તે ઉડી ગઈ હતી.
દુર્ઘટના અંગે વડા પ્રધાન કાર્યાલય દ્વારા પોસ્ટ કરાયેલા એક ટ્વીટમાં જણાવાયું છે કે દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેરું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોનાં પરિવારજનો પ્રતિ દિલસોજી વ્યક્ત કરી છે. પ્રત્યેક મૃતક વ્યક્તિના પરિવારને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. બે લાખની એક્સગ્રેસિયા રકમ ચૂકવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજા પામેલી દરેક વ્યક્તિને રૂ. 50,000ની નાણાકીય સહાય આપવામાં આવશે.