PM મોદી 27 જુલાઈએ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ રાજકોટની મુલાકાત લેશે. વડા પ્રધાન દ્વારા હીરાસર એરપોર્ટ ખુલ્લુ મૂકવામાં આવનાર છે. કલેકટર દ્વારા વડા પ્રધાનના કાર્યક્રમને લઈ જુદી-જુદી 27 જેટલી સમિતિ પણ બનાવવામાં આવી છે.  રાજકોટના રેસકોર્સ મેદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા પણ સંબોધશે. વહીવટી તંત્ર તેમ જ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એસટી તંત્રને પણ 27 જુલાઈએ 1000 જેટલી બસ આરક્ષિત રાખવા પણ જણાવવામાં આવ્યું છે. શહેર ભાજપ સંગઠન તેમ જ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મીટિંગ યોજવામાં આવશે. વડા પ્રધાન 27 જુલાઈએ જ જેસલમેર મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. મેડિકલ શિક્ષણ વિભાગના પ્રમુખ શાસન સચિવ ટી. રવિકાંતે જેસલમેર કલેક્ટર અને PMOને VCના માધ્યમથી માહિતી આપીને તૈયારીઓ કરવા માટે નિર્દેશ આપ્યા છે. વડા પ્રધાન મોદી ચિતોડગઢ, સિરોહી, ધોલપુર અને શ્રીગંગાનગર મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે. આ શિલાન્યાસમાં બુંદી, સવાઇ માધોપુર, કરોલી, ઝુંઝનુ, બારાં ટોંક અને જેસલમેર મેડિકલ કોલેજ સામેલ છે. વડા પ્રધાન સીકરથી મેડિકલ કોલેજોનું લોકાર્પણ અને શિલાન્યાસ VCના માધ્યમથી કરશે.

વડા પ્રધાને સાત ઓક્ટોબર, ૨૦૧૭એ ચોટીલા પાસે આવેલા હીરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ઉત્સાહનો માહોલ છે.