અમદાવાદઃ રાજ્યમાં ‘તાઉ’તે’ વાવાઝોડાએ વેરેલા વિનાશનો તાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે બુધવારે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ હાલ દિલ્હીથી ભાવનગર પહોંચ્યા છે. તેઓ ભાવનગર પહોંચ્યા બાદ અમરેલી, ઉના, દીવ, જાફરાબાદ, પોરબંદર અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ‘તાઉ’તે’ વાવાઝોડાથી રાજ્યમાં 45 લોકોનાં મોત થયાં છે. આને કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. વીજળીના થાંભલા, વૃક્ષો તથા કેટલાંય ઘરો અને રસ્તાઓને નુકસાન થયું છે.
વડા પ્રધાન હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ આવશે અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરશે. તેમણે મુખ્ય પ્રધાન રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે આ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ વાત કરી હતી.
રાજ્યમાં ‘તાઉ’તે’ વાવાઝોડાની અસરથી 2437 ગામોમાં વીજ-પુરવઠો ખોરવાયો છે, જેમાંથી 484થી વધુ ગામોમાં પુરવઠો પુનઃ એક વાર શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે રાજ્યમાં અંદાજે 40,000 વૃક્ષો ધરાશાયી થયાં છે. જ્યારે 16,500 જેટલાં કાચાં મકાનો-ઝૂંપડાને નુકસાન પહોંચ્યું છે