બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘યાસ’ સુપર વાવાઝોડામાં ફેરવાશેઃ IMD

કોલકાતાઃ દેશમાં મુસીબતો બટાલિયનમાં આવી રહી છે. દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે, હજી વાવાઝોડા ‘તાઉ’તે’ એ ગુજરાત સહિત દેશનાં પાંચ રાજ્યોને ધમરોળ્યાં છે, ત્યારે વધુ એક વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે. પ્રાદેશિક હવામાન વિભાગે આગાહી કરી છે કે સુપર વાવાઝોડું ‘યાસ’ (Yaas) 23 મેથી 25 મેની વચ્ચે સુંદરબન વિસ્તારોમાં ટકરાશે. જોકે આ વાવાઝોડું સંભવિતપણે બાંગ્લાદેશ તરફ આગળ વધશે. હવામાન વિભાગે ચેતવણી ઉચ્ચારી છે કે ઓમાન દ્વારા આ ચક્રવાતી વાવાઝોડાને યાસ નામ અપાયું છે, જે ગયા વર્ષે આવેલા ‘અમ્ફાન’ જેટલું જ વિનાશકારી નીવડી શકે છે.

જોકે આ વાવાઝોડાની દિશા અને ઝડપ વિશે હવામાન વિભાગે ચોક્કસ માહિતી નથી આપી, પરંતું પૂર્વ-મધ્યના સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે અને સપ્તાહના અંત સુધીમાં એ જમીન પર ટકરાતાં પહેલાં દિન-પ્રતિદિન એ વધુ શક્તિશાળી વાવાઝોડું બનશે. જોકે અધિકારીઓનો પ્રાથમિક અંદાજ છે કે સુંદરબનની જમીન પર ટકરાઈને આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ આગળ વધે એવી શક્યતા છે. વિભાગે 23મી મેએ માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી ઉચ્ચારી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને લીધે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર પરગણા સહિત ગંગા નદીના તટવિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં તાપમાન પાંચ ડિગ્રી વધ્યું છે અને એ આગામી એક-બે દિવસમાં 40 ડિગ્રીએ પહોંચવાની ધારણા છે. વળી હવામાં ભેજના પ્રમાણમાં પણ વધારો થતાં લોકો માટે ગરમી અસહ્ય થઈ રહી છે. આ બધી બાબતોને લીધે ડિપ્રેશન સર્જાયેલું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.