PM મોદીએ ગાંધીનગરમાં વૈશ્વિક CEO સાથે મુલાકાત કરી

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી ચૂક્યા છે. આ વખતે સમિટમાં 36 દેશો સામેલ થઈ રહ્યા છે. એમાં 10 દેશોના ગવર્નર અને મંત્રી સમિટમાં હાજર રહેશે. એ સાથે 15થી વધુ ગ્લોબલ CEO હાજર રહેશે. સમિટના ચીફ ગેસ્ટ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન છે. તેઓ સાંજે અમદાવાદ પહોંચી જશે. વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ નાહયાનનું સ્વાગત કરશે. ત્યાર બાદ તેઓ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ત્રણ કિલોમીટર લાંબો રોડ-શો કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન વડા પ્રધાન મોદી આવતી કાલે કરશે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી સુધી થશે. આ વખતે સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. આ સમિટમાં માઇક્રોસોફ્ટ, નેસ્ડેક, ગૂગલ, સુઝુકી દેવી મોટી કંપનીઓના CEO સામેલ થશે. આ ઉપરાંત ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને નટરાજન ચંદ્રશેખરન જેવા ભારતીય ઉદ્યોગપતિ પણ ભાગ લેશે. ગુજરાતની યાત્રા દરમ્યાન વડા પ્રધાને ગ્લોબલ કંપનીઓના CEO અને બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી હતી.

માઇક્રોન ટેક્નોલોજીના CEO સંજય મેહરોત્રાએ મોદીની સાથે બેઠક પર કહ્યું હતું કે હંમેશાંની જેમ વડા પ્રધાન મોદીની સાથે એક બેઠક ઉત્સાહજનક રહી હતી. આ બેઠકમાં અમે સાણંદ પ્રોજેક્ટની પ્રગતિ અને સેમીકંડક્ટરના ઉત્પાદન માટે કર્મચારીઓ વધારવા વિશે માહિતી આપી હતી.

DP વર્લ્ડના CEO સુલતાન અહેમદ બિન સુલેયમે મોદી સાથેની મુલાકાત પછી કહ્યું હતું કે અમે ભારતમાં મૂડીરોકાણ વિશે ચર્ચા કરી હતી હતી. અમે 2.5 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે અને આવનારાં ત્રણ વર્ષમાં અમે વધુ મૂડીરોકાણ કરીશું.