વડાપ્રધાન મોદીએ શ્રમ યોગી માન ધન યોજનાની શરુઆત કરાવી, કહી આ વાત…

અમદાવાદઃ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દીવસ છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી અમદાવાદના વસ્ત્રાલ ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. વસ્ત્રાલમાં વડાપ્રધાન મોદીએ શ્રમયોગી યોજનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને કેટલાક લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ ભારત માતાની જય બોલાવીને પોતાના સંબોધનની શરુઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે સહુ ઐતિહાસિક અવસરના સાક્ષી બનીએ છીએ અને આજે ગુજરાત ગર્વ કરી શકે છે. આજના કાર્યક્રમનું હોસ્ટ ગુજરાત છે પણ ખુશી થશે કે આ સમયે જ પુરા દેશમાં 3 લાખથી વધારે કોમનસેન્ટરમાં 2 કરોડથી વધારે લોકો આ કાર્યક્રમમાં ભાગીદાર છે. એકસાથે 2 કરોડ લોકોનો કાર્યક્રમ એ એક રેકોર્ડ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે યોજના એવી છે કે મારા દેશના 40-45 કરોડ લોકોના પરસેવાનું તિલક આજે હું મા ભારતીને કરૂ છું. દેશભરના કામદાર સાથી જે કચરો ઉપાડવાનું કામ કરે છે, કોઈ કપડાં ધોવાનું, જમવાનું બનાવે, ખેતી કરે, રસ્તાઓનું નિર્માણ કરે, કોઈ રીક્ષા ચલાવે કે કોઈ ચા વેચે, એવા અનેક કામોથી જોડાયેલા તમામ કામદાર સાથીઓને આજે એક ખૂબ જ મોટો અવસર છે. ખૂબ મોટી ભેટ છે, હું એ તમામનો ખૂબ આભાર માનું છું.

આ યોજના અંગે ટાંકતા કહ્યું હતું કે, તમે આ યોજનાથી સહાયક બની ગયા છો અને મોદી સરકાર ખભેથી ખભો મિલાવી તમારી સાથે છે. જે લોકો એ યોજનાનો લાભ ઉઠાવશે તેમના માટે આ યોજના ખૂબ મોટો સહારો બનશે. તેમણે પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી સન્માન કિસાન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને તેની સફળતા વિશે જનતા સાથે વાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ પોતાની સરકારને પ્રધાન સેવકની સરકાર ગણતા કહ્યું હતું કે, પાર્લામેન્ટમાં આ બંને યોજનાની ઘોષણા કરી હતી અને સવા મહિનામાં જ બંને યોજના જમીન પર ઉતારી દેવામાં આવી છે. આજની આ યોજના મારા માટે ભાવુક છે. મને અહેસાસ છે કે દેશના કરોડો ગરીબો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના મનમાં સવાલ રહેતો હતો કે જ્યાર સુધી હાથ પગ ચાલે છે ત્યાર સુધી કામ પણ થતું રહેશે પણ જ્યારે શરીર નબળુ પડશે ત્યારે શું થશે.

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકોએ ગરીબી હટાવવાના નારા લગાવ્યા પણ ગરીબોને નામે વોટ લઈ લીધા તેમને આ યોજના યાદ ન આવી. 55 મહિનામાં એક ચાવાળાના દિકરાએ આ યોજના લાવી દીધી. યોજના અંગે તેમણે જણાવ્યું કે આ યોજના સાથે જોડાવું ખૂબ જ સરળ છે, ઘર કામ કરનારી મહિલા અને અભણ વ્યક્તિ પણ આ યોજના સાથે સંલગ્ન થઈ શકે છે. એવા શ્રમિકો જેમની ઉંમર 16થી 40 અને તેમની કમાણી 15000થી ઓછી છે તે આ યોજના સાથે જોડાઈ શકે છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, કેટલાક લોકો માટે ગરીબી એ માનસિકતા છે. ૫૫ વર્ષ સુધી આ લોકોએ ‘ગરીબી હટાવો’ ના માત્ર રાષ્ટ્રીય નારા લગાવ્યા છે પરંતુ મારી સરકાર માત્ર ૫૫ મહિનામાં જ શ્રમિકો-ગરીબો માટે આદર્શ યોજનાઓ અમલી બનાવી છે. વડાપ્રધાને આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો અમદાવાદથી દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અસંગઠિત ક્ષેત્રના 42 કરોડ શ્રમયોગીઓને આ યોજનાનો લાભ મળશે. ૬૦ વર્ષની ઉંમર પછી રૂા. ૩૦૦૦નું નિશ્ચિત પેન્શન મળશે. ૧૮ થી ૪૦ વર્ષની વયજૂથના શ્રમયોગીઓના ફાળા જેટલી જ રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે. ‘હું દેશનો પ્રથમ નંબરનો મજૂર છું’ તેનો ઉલ્લેખ કરી વડાપ્રધાને કહ્યું કે, કેટલાક લોકો ગરીબીને માત્ર માનસિક અવસ્થા ગણાવે છે. તેમને ભૂખ્યા ગરીબોની દારૂણ પરિસ્થિતિનો ખ્યાલ સુધ્ધાં નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં ગરીબી એ માનસિકતા નથી એવું માનનાર અને સમજનાર લોકોની માનસિકતાને કારણે આ વ્યથા જન્મી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ યોજના શ્રમિકોની વૃધ્ધાવસ્થાનો આધાર – સહારો પૂરવાર થશે. મારી સરકાર આવા શ્રમિકો સાથે જ ખભો મિલાવીને કામ કરવા તત્પર છે.

આ યોજના દેશના ૪૨ કરોડ શ્રમિકો-કામદારોની સેવાનો અવસર છે. ભવ્ય ભારતના નિર્માતા એવા શ્રમિકોનો પરસેવો એળે ન જાય તે રીતે શ્રમિકોના પરસેવાનું તિલક મા ભારતીને આજે થઇ રહ્યું છે. દેશમાં ઘરે ઘરેથી કચરો ઉઠાવનારા કપડાં-વાસણ ધોવાવાળા, ખેતમજૂરો, રોડ નિર્માણ કરનારા, મોચી, વણકર એમ અનેક વર્ગના શ્રમિકો માટે જીવન સુરક્ષિત કરવાનું લક્ષ્ય છે. ગરીબો-કામદારો-શ્રમિકો માટે પહેલાં પણ યોજના બનતી હતી તેનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યોજનાની મલાઇ વચેટીયાઓ ખાઇ જતા હતા પરંતુ હું આવા લોકોનો હાથ તેના પર પડવા દઇશ નહીં. તેમ તેમણે ચોકીદાર ચોકન્ના છે તેમ જણાવીને ઉમેર્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે હું એવો ચોકીદાર છું કે, મારા લીધે વચેટીયાઓ આકુળ-વ્યાકુળ બનીને ‘મોદી હટાવો’ ની ઝુંબેશ ચલાવે છે પણ દેશના જન-જનનાં આશિર્વાદ મારી સાથે છે અને તેના લીધે જ આ ચોકીદાર શ્રમિકોની સેવા માટે ખડે પગે ઉભો છે. તેમનો એક માત્ર ધ્યેય મોદી હટાવવાનો છે. તેઓ મોદી પર સ્ટ્રાઇક કરવા કટિબધ્ધ છે પરંતુ મોદી આતંકવાદ પર સ્ટ્રાઇક કરવા કટિબધ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આજે આ યોજનામાં 14.50 લાખ લોકો જોડાયા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરી છે અને આ યોજના દેશના શ્રમિકોને અર્પણ કરું છું.

૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ એ કિસાનો-શ્રમિકો માટે સંસદમાં જાહેરાત કરી હતી અને આ બન્ને યોજનાઓ હકીકતમાં ધરા પર ઉતારી છે. આ યોજનાને પોતાના જીવનનું ભાવવાહી ઋણ ગણાવતાં વડાપ્રધાને કહ્યું કે, અનેક શ્રમિકોના હાથ-પગ ચાલતાં બંધ થઇ જાય ત્યારે શું કરીશું? તેની ચિંતા ઘેરી વળતી હોય છે. આ ચિંતા શ્રમિકોએ હવે કરવી નહીં પડે. પરિવારમાં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે આ યોજના શ્રમિકો માટે એક સોનેરી અવસર સમાન છે.

વડાપ્રધાને કહ્યું કે શ્રમિકોએ આ યોજના માટે માત્ર ૫૫ થી 2૦૦ રૂપિયા સુધીનું યોગદાન આપવાનું છે અને તેટલું જ યોગદાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનામાં ખાતુ ખોલાવવા માટે શ્રમિકોએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. આ ખાતુ ખોલાવવા માટેનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ભોગવવામાં આવશે.