દિલ્હીમાં AAP સાથે ગઠબંધન નહીં કરે કોંગ્રેસ: શીલા દીક્ષિત

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીની ટુંક સમયમાં જ જાહેરાત થાય તેવી શકયતા છે. એ પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસમાં ગઠબંધનની ચર્ચા ફરી એક વખત જોર પકડયું હતું. આ ચર્ચા વચ્ચે રાહુલ ગાંધીએ આજે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન મામલે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિત સહિત અન્ય નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠક આગમી લોકસભા ચૂંટણીમાં દિલ્હી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ શીલા દીક્ષિતે કેજરીવાલ સાથે ગઠબંધનની સંભાવનાઓ પર પૂર્ણ વિરાણ લગાવ્યું હતું.

બેઠક બાદ શીલા દીક્ષિતે કહ્યું કે, પાર્ટીની પ્રદેશ ટુકડી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના પક્ષમાં નથી.

ત્યારબાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, એવા સમયે જ્યારે સમગ્ર દેશ મોદી-શાહની જોડીને હરાવવા ઈચ્છે છે, ત્યારે ભાજપ વિરોધી મતોને વહેચીને કોંગ્રેસ ભાજની મદદ કરી રહ્યું છે.

વધુમાં તેમણે લખ્યું કે, એવી પણ અફવા છે કે, કોંગ્રેસની ભાજપ સાથે ગુપ્ત સમજૂતી થઈ ગઈ છે. કોગ્રેસ-ભાજપના ગઠબંધન સામે લડવા માટે દિલ્હી તૈયાર છે. લોકો આ અપવિત્ર ગઠબંધનને હરાવી દેશે.

 

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેમના 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીને વિશ્વાસ હતો કે, કોંગ્રેસ સાથે ગઠબંધન થઈ શકે છે. તાજેતરમાં જ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ બદલાયેલા માહોલમાં બંન્ને પાર્ટીઓમાં ગઠબંધનની ખબરને હવા મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિત તાજેતરમાં જ તેમના કેટલાક નિવેદનોમાં કહ્યું હતું કે, કોંગ્રેસ દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. પાર્ટી કાર્યકર્તા અને અન્ય નેતાઓ પણ એકલા હાથે ચૂંટણી લડવાની વકાલત કરી રહ્યા હતાં. પરંતુ આજે મળેલી બેઠક બાદ ગઠબંધન અંગે તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે.