અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે સોમનાથમાં વિકાસ-કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક-વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનો શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સમુદ્ર દર્શન વોક-વે, અહિલ્યાબાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીને કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપનાં દર્શન કરી શકાશે. નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે. ચારેય દિશામાં આવેલાં 12 જ્યોતિર્લિંગ, ચારધામ, શક્તિપીઠો આ તમામ આસ્થાની જે રૂપરેખા છે એ એક શ્રેષ્ઠ ભારતની અભિવ્યક્તિ છે. આતંકવાદી વિચારધારા ભલે કેટલોક સમય માટે હાવી થઈ જાય, પરંતુ એનું અસ્તિત્વ કાયમી નથી હોતું. ગુજરાતમાં પ્રસાદ સ્કીમ હેઠળ 100 કરોડના ત્રણ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે.
સોમનાથ મંદિરમાં સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્વાનો દ્વારા શ્લોકાચાર સાથે લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વડા પ્રધાને જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને પૂર્વ નાયબ વડા પ્રધાન અડવાણીને યાદ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે હું ભલે વિડિયો-કોન્ફરન્સથી જોડાયો હોઉં, પરંતુ મનથી સ્વયં ભગવાન સોમનાથનાં ચરણોમાં હોવાનો અનુભવ કરું છું. મારું સૌભાગ્ય છે કે આ પુણ્ય સ્થાનની સેવા કરવાનો અવસર મળ્યો છે. લોહપુરુષ સરદાર પટેલનાં ચરણોમાં નમન કરતાં હું કહું છું કે ભારતના પ્રાચીન ગૌરવને પુનર્જીવિત કરવાની ઇચ્છાશક્તિ દર્શાવી હતી. સરદારે સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડી હતી.
e