નવી દિલ્હીઃ દેશના પશ્ચિમી તટ પર ‘બિપરજોય’ને કારણે સમુદ્રનાં મોજાં ઊંચા ઊછળી રહ્યાં છે. હવામાન વિભાગે અલર્ટ જારી કર્યું છે. કેરળથી લઈને ગુજરાતના દરિયાકિનારા પર અલર્ટ જારી કરવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી બપોરે એક કલાકે વાવાઝોડા ‘બિપરજોય’ને લઈને સમીક્ષા બેઠક કરશે. આ બેઠકમાં NDRF અને રાહત બચાવ કાર્યથી જોડાયેલા અધિકારી સામેલ થશે. આ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રનાં અને કચ્છનાં તમામ બંદરો પર નવ અને 10 નંબનાં સિગ્નલ લગાવવામાં આવ્યા છે, જ્યારે કચ્છમાં ત્રણ દિવસ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. માછીમારોને 15 જૂન સુધી માછીમારોને અસરગ્રસ્ત વિસ્તારોમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે.
અરબી સમુદ્રનું તાપમાન પણ આ વાવાઝોડાની ગતિ અને દિશાને નક્કી કરી રહ્યું છે. ઇસ્ટ-નોર્થ તથા વેસ્ટ-નોર્થ એન્ટિ સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આની સીધી અસર વાવાઝોડા ‘બિપરજોય’ના માર્ગ પર થઈ રહી છે અને એ પાકિસ્તાનને બદલે ગુજરાત તરફ ફંટાયું છે. હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાકિનારે અલર્ટ જારી કર્યું છે. અહીં સમુદ્રની સ્થિતિ બદથી બદતર રહેવાની સંભાવના છે.
વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા છે. હવામાન વિભાગે 15 અને 16 જૂન માટે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. ત્યારે ગઈ કાલે જૂનાગઢના માંગરોળમાં 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયો ગાંડોતૂર થયો છે. જાફરાબાદના કિનારે 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. જેથી દરિયાકિનારે વસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.