દિવાળીમાં દેખાશે ગુલાબી ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ચોમાસાએ હવે વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ દિવાળી નજીક આવતા ઠંડીની શરૂઆત થશે. ત્યારે અમદાવાદનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય તાપમાન કરતા 1.4 ડિગ્રી વધુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે વરસાદ સાથે ઠંડી અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ તાપમાન વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે. ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમની ગુજરાત પર અસર નહીં થાય છે. બંગાળની ખાડીમાં આજે ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં થાય.