અમદાવાદમાં લોકોએ નિહાળ્યો આંશિક ચંદ્રગ્રહણનો નજારો

અમદાવાદઃ અહીં ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે મોટી સંખ્યામાં લોકોએ હાઇટેક ટેલિસ્કોપથી વર્ષ 2022ના અંતિમ ચન્દ્રગ્રહણને નિહાળવાનો અને આકાશ દર્શનનો આનંદ મેળવ્યો હતો.

આ આંશિક ચંદ્રગ્રહણના સાક્ષી બનવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

નાગરિકોની વૈજ્ઞાનિક શોધને પ્રોત્સાહિત કરવા ગુજરાત સાયન્સ સિટી દ્વારા આજે સાંજે ચંદ્ર અને આકાશ નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્ર અને આકાશના અવલોકન માટે ખાસ ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું.

ચંદ્રગ્રહણ (ચંદ્રગ્રહણ) 2022 ભારતમાં બપોરે 3.00 થી સાંજે 18:19 સુધી જોવા મળ્યું હતું. અમદાવાદમાં આ આંશિક ચંદ્રગ્રહણ સાંજે 5:56 થી 7:26 વાગ્યા સુધી જોવા મળ્યું હતું.

સંપૂર્ણ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, ઉત્તર અને પૂર્વ યુરોપ અને મોટાભાગના દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યું હતું.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા યુવા પેઢીનું જ્ઞાન વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે.

વર્ષ 2022નું આખરી ચંદ્રગ્રહણ આજે સાંજે 6.19વાગ્યે પૂરું થયું હતું. આ આંશિક ગ્રહણ હતું અને તે બપોરે 2.39 વાગ્યાથી શરૂ થયું હતું. બપોરે 3.46 વાગ્યે તે પૂર્ણઅવસ્થામાં હતું. પૂર્ણઅવસ્થાનો અંત 5.12 વાગ્યે આવ્યો હતો અને બાદમાં 6.19 વાગ્યે આંશિક અવસ્થાનો અંત આવ્યો હતો. ભારતમાં હવે પછીનું ચંદ્રગ્રહણ 2023ની 28 ઓક્ટોબરે થશે, જે પણ આંશિક જ હશે.

ચંદ્રગ્રહણ આજે શરૂ થયું એના અનેક કલાકો પૂર્વે સૂતક સમયગાળો શરૂ થતાં અનેક મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા. જે સાંજે ચંદ્રગ્રહણ પૂરું થતાં ફરી ખોલી દેવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથમાં ભગવાન બદ્રીનાથના મંદિરના દરવાજા પણ સાંજે ગ્રહણ સમાપ્તિ બાદ શ્રદ્ધાળુઓ-દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા.