18 વર્ષથી ઉપરના લોકોને હાલ રસી નહીં અપાયઃસરકાર

અમદાવાદઃ  રાજ્યમાં પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના યુવાઓમાં શરૂ થનારો વ્યાપક રસીકરણ કાર્યક્રમ હાલપૂરતો અટકે તેવા અહેવાલ છે. હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહિવત્ છે. તેથી રસીનો જથ્થો આવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈટમેન્ટ અપાશે. જોકે હાલ 45 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ચાલુ રહેશે એમ સૂત્રોએ કહ્યું હતું.  

આરોગ્ય વિભાગના સૂત્ર દ્વારા માહિતી મળી છે કે કેન્દ્રમાથી ગુજરાતને રસીનો જે જથ્થો મોકલવાનો હતો, એ હજી સુધી આવ્યો નથી. તેથી ગુજરાતમાં પહેલી મેથી 18 થી વધુની ઉંમરના માટે રસીકરણ શરૂ નહીં થઈ શકે. ફરીથી રસી ક્યારે શરૂ થશે એ અંગે જલદી જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં પણ આવશે. રાજ્યમાં જથ્થો આવ્યા બાદ જ રસીકરણની કામગીરી ફરીથી શરૂ થશે. જોકે હાલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તો ચાલુ જ રહેશે.
દેશનાં ચાર રાજ્યોએ રસીકરણ કાર્યક્રમ અટકાવવાનો નિર્ણય કર્યો છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, બિહાર રાજ્યોને પણ રસીનો જથ્થો મળ્યો નથી. આ જથ્થો આવતાં એક સપ્તાહ જેટલો સમય લાગશે. જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે જથ્થો ઉપલબ્ધ નથી. એ સાથે જ કેન્દ્ર સરકાર પાસે પણ ઓછો જથ્થો છે. જોકે રાજ્યમાં હાલ 45 વર્ષના ઉપરના લોકોનુ રસીકરણ કાર્યક્રમ છે એ ચાલુ રહેશે.