રાજ્યમાં નકલી રેમડેસિવિરનાં કાળાબજારઃ સાતની ધરપકડ

અમદાવાદઃ હાલ દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનોની જોરદાર અછત વર્તાઈ રહી છે. જરુરિયાતમંદો તેની વ્યવસ્થા કરવા માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે આ સ્થિતિનો લાભ ઉઠાવીને કેટલાક લેભાગુ લોકોએ ઇન્જેક્શનના કાળાબજાર શરૂ કર્યા છે તો કેટલાક લોકો ઇન્જેક્શનની બોટલોમાં પાણી કે ભળતાં જ પ્રવાહી ભરીને તેને રેમડેસિવિયરના નામે વેચી મોંમાગ્યા રૂપિયા પડાવી રહ્યા છે. શહેર ક્રાઇમ બ્રાંચે નકલી રેમડેસિવિયર ઇન્જેક્શન વેચવાનું એક કૌભાંડ પકડી પાડ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર પકડીને ઊંડી તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચે નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડી પાડ્યું છે.  ક્રાઇમ બ્રાન્ચે હોટલ હયાતમાં દરોડો પાડી નકલી ઇન્જેક્શનના અમદાવાદના એજન્ટ નિતેષ જોષીને ૧૦૩ નકલી ઇન્જેક્શન તેમજ ૨૧ લાખ રોકડા સાથે ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાંચે અમદાવાદમાંથી કુલ સાત આરોપીને પકડી પાડયા છે.

ચાંગોદરની કંપનીમાંથી ૧૫૦ રૂપિયાની કિંમતની દવા ખરીદીને એ બોટલ ઉપર પાલડીમાં છપાવેલા રેમડેસિવિરના નકલી સ્ટિકર વડોદરામાં લગાવીને નકલી રેમડેસિવિર તરીકે વેચી હજારો રૂપિયા કમાવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું.  પોલીસ દ્વારા આ મામલે સાત લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ લોકોએ એવી પણ કબૂલાત કરી છે કે તેઓ અત્યાર સુધી આવા 5000 ઇન્જેકશનો વેચી ચૂક્યા છે. તેવામાં કોને ઈન્જેક્શન વેચાયા, અને કેટલા રૂપિયામાં સોદા કરવામાં આવ્યા એ ઉપરાંત, ઈન્જેક્શન લેનારાનું શું થયું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ લોકોએ એક ઈન્જેક્શનના 25-30,000 રૂપિયા સુધીની રકમ ખંખેરી છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ તેમણે અન્ય શહેરોમાં પણ રેમડેસિવિયરના નામે ટેટ્રાસાઇકલ નામનાં ઇન્જેક્શન વેચ્યાં હતાં, જે માંડ 100 રૂપિયાનું આવે છે.