લાંચનો મામલોઃ BJP નેતાઓ સામે પાટીદાર નેતા નરેન્દ્ર પટેલની ફરિયાદ કોર્ટે સ્વીકારી

અમદાવાદ – હાર્દિક પટેલની આગેવાની હેઠળના પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS) સંગઠનના નેતા નરેન્દ્ર પટેલે ભાજપના પાંચ નેતાઓ સામે ગાંધીનગરની કોર્ટમાં લાંચ અને ગુનાહિત ધાકધમકીનો મંગળવારે અંગત કેસ કર્યો હતો. પટેલની અરજીનો કોર્ટે આજે સ્વીકાર કર્યો છે અને એ માટેની સુનાવણી આવતી ત્રીજી નવેંબરે રાખવાનું નક્કી કર્યું છે.

નરેન્દ્ર પટેલનો દાવો છે કે ભાજપમાં જોડાવા માટે ભાજપના નેતાઓએ પોતાને એક કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી.

નરેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર. ત્રિવેદી સમક્ષ ભાજપના રાજ્ય એકમના પ્રમુખ જિતુ વાઘાણી, ગુજરાત ભાજપની યુવા પાંખના પ્રમુખ રુત્વિજ પટેલ, ભાજપના રાજ્ય એકમના પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત PASSના ભૂતપૂર્વ નેતા વરુણ પટેલ તથા મહેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

આ તમામ સામે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ ૧૭૧-એચ (ચૂંટણીના સંબંધમાં ગેરકાયદેસર પેમેન્ટ કરવા), ૧૭૧-સી (ચૂંટણીમાં ખોટી રીતે વગ વાપરવા), ૩૮૪ (ખંડણી), ૪૧૭ (છેતરપીંડી), ૫૦૬ (૨) ક્રિમિનલ ધમકી અને ૧૨૦-બી (ક્રિમિનલ ષડયંત્ર) હેઠળ પગલું ભરવાની નરેન્દ્ર પટેલે એવી માગણી કરી છે.

કોર્ટે નરેન્દ્ર પટેલને આદેશ આપ્યો હતો કે એમણે બુધવારે (આજે) વેરિફિકેશન માટે કોર્ટમાં હાજર થવું.

નરેન્દ્ર પટેલે પોતાની ફરિયાદમાં કોર્ટને જણાવ્યું છે કે એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ભાજપે પોતાને લાંચ આપી હતી.

પટેલે ગયા રવિવારે શાસક ભાજપમાં જોડાઈ ગયાના અમુક કલાકો બાદ જ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓએ પોતાને એક કરોડ રૂપિયાની લાંચ આપી છે. ભાજપના નેતાઓએ પોતાને PASSથી દૂર કરાવવા માટે અને ગુલામ બનાવી દેવા પૈસાની લાલચ આપવાનો પ્રયાસ કર્યો છે. એમણે પોતાને પહેલાં રૂ. ૧૦ લાખ આપ્યા છે અને બાકીના ૯૦ લાખ પછી આપવાનું વચન આપ્યું છે.

નરેન્દ્ર પટેલે પોતાની વ્યક્તિગત ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે પોતાની ફરિયાદ લેવા વિશે એમને પોલીસ પર ભરોસો ન હોવાથી કોર્ટમાં કેસ કર્યો છે.