હાઇ કમાન્ડનું ઉમેદવારો નક્કી કરવા પટેલ-પાટીલને દિલ્હીનું તેડું

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં રાજકારણ રમાતું હોય એમ લાગે છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો એકસાથે જાહેર થવાના અહેવાલો હતા, પણ ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની જ જાહેરાત કરી છે. જેથી પંચ પર રાજકીય દબાણ હોય એવું બને.

આ જ કડીમાં ભાજપમાં ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે. ચૂંટણીના ઉમેદવારોની અંતિમ યાદી નક્કી કરવા હાઇ કમાન્ડે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલને મારતે વિમાને બોલાવ્યા છે. હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન છે અને આઠ ડિસેમ્બરે ચૂંટણી પરિણામ છે. આઠ ડિસેમ્બરે જ ગુજરાત અને હિમાચલનાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ ઘટનાક્રમની વચ્ચે મુખ્ય મંત્રી અને પ્રદેશપ્રમુખની હાઇકમાન્ડ સાથેની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.

બીજી બાજુ, ચૂંટણી પંચના અધિકારીઓ આવતા સપ્તાહે ફરી રાજ્યની મુલાકાત લેવાના છે. તેઓ આવતા સપ્તાહે અમદાવાદ, રાજકોટ, સુરત અને રાજકોટ અને જામનગરની મુલાકાત લેવાના છે. તેઓ ઝોન મુજબ બેઠક યોજીને ચૂંટણી કાર્યની સમીક્ષા કરશે, ત્યાર બાદ ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી માંડીને જિલ્લાની જે તમામ નાની-નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે અને 20 તારીખ બાદ નાયબ ચૂંટણી કમિશનર દિલ્હી પરત ફરશે. ત્યાર બાદ એટલે કે દિવાળી બાદ ચૂંટણી કમિશન ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે એવી શક્યતા છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથેની બેઠકમાં ગુજરાત ચૂંટણી મુદ્દે ચર્ચા-વિચારણા કરશે, જેમાં જ્ઞાતિ ગણિત, રિપીટ, નો રિપીટ થિયરી સહિતની અનેક બાબતો અંગે વિચારવિમર્શ કરીને ઉમેદવારો નક્કી કરવા માટે મંથન કરવામાં આવશે.