દેશમાં ‘કમલમ્’ના ઉત્પાદનમાં ગુજરાતનો ૩૫ ટકા હિસ્સો

નવી દિલ્હી: રાજ્ય સરકારે દિલ્હી હાટમાં ૧૪-૧૬ ઓક્ટોબરમાં ત્રણ દિવસ ચાલનારા ‘કમલમ્’ (ફળ) મહોત્સવનું આયોજન કર્યું છે, તેમાં ગુજરાતના ૩૦ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવ ‘કમલમ્’ ફળની ખેતી કરનારા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડશે. આ મંચના માધ્યમથી ગ્રાહકો પોતાની જરૂરિયાત અનુસાર ઉત્પાદક ખેડૂતો પાસેથી કમલમ ફળ અને બીજી વેલ્યુ એડેડ ચીજવસ્તુઓ ખરીદી શકશે.

નાફેડના મેનેજિંગ ડિરેક્ટર રાજવીર સિંહ તેમ જ નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવરે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડી. કે. પારેખની હાજરીમાં રિબિન કાપીને આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. ‘કમલમ્’ (ડ્રેગન ફ્રૂટ) હવેથી દિલ્હીમાં નાફેડના વિવિધ સ્ટોરમાં પણ વેચાશે. રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી, ૨૦૨૧માં ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ‘કમલમ્’ કરવામાં આવ્યું હતું, કારણ કે આ ફળના કાંટા અને પાન કમળનાં ફૂલ જેવાં હોય છે.

દેશમાં ‘કમલમ્’ ફળોની ખેતી ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં કરવામાં આવે છે. ‘કમલમ્’ ફળોના ઉત્પાદનમાં ગુજરાત ૩૫ ટકા હિસ્સા સાથે સૌથી આગળ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એની ખેતી અને ઉત્પાદનમાં રુચિ ઝડપથી વધી છે.

ગુજરાત પહેલાં આ ફળની આયાત કરતું હતું. પરંતુ હવે ગુજરાત બીજા ઘણા દેશોમાં ‘કમલમ્’ની નિકાસ કરે છે. ગુજરાતના ૨૫ જિલ્લાઓના ખેડૂતો આ ફળનું ઉત્પાદન કરે છે. તેનાથી તેમની વાર્ષિક આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સરકારની મદદથી ગુજરાત આજે ‘કમલમ’ ફળનું હબ બની ગયું છે. રાજ્ય સરકાર આ ફળની ખેતી માટે ખેડૂતોને સબસિડી પણ આપે છે. ગુજરાતમાં ‘કમલમ્’ની ખેતીમાં કચ્છ જિલ્લો સૌથી આગળ છે. ગુજરાત સંયુક્ત આરબ અમીરાત, માલદીવ, રશિયા અને ઈંગ્લેન્ડમાં ‘કમલમ’ ફળોની નિકાસ કરે છે. ‘કમલમ્’ મહોત્સવમાં કચ્છના લોકપ્રિય કલાકારો કચ્છી સંગીત પણ રજૂ કરશે.