પૂરના પાણીમાંથી 33,000થી વધુ લોકોને બહાર કઢાયાઃ CM

ગાંધીનગરઃ ચોમાસાની સીઝન શરૂ થયાના પહેલા 15 દિવસમાં રાજ્યમાં ઠેકઠેકાણે ભારે વરસાદ વરસ્યો છે. એ સમયે રાજ્ય સરકાર દ્વારા સમયસર લેવામાં આવેલા નિર્ણયોને કારણે 33,000થી વધુ લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને લોકોની માલમિલકતને થતા નુકસાનને નિયંત્રિત કરવામાં આવ્યું છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે રાજ્યમાં જ્યાં વધુ વરસાદ વરસ્યો છે, ત્યાં NDRFની 18 ટીમો અને SDRFની 18 ટીમ કાર્યરત છે અને આઠ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં જાન-માલના નુકસાનનો સર્વે કરીને અંદાજ કાઢવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં વરસેલા ભારે વરસાદને કારણે 5150 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો, જેમાં 5110 ગામોમાં વીજ સપ્લાય પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે.રાજ્યમાં 50 ટકા ડેમો ભરાયાં છે, જેમાં સરદાર સરોવર ડેમ ક્ષમતાના 48 ટકાથી વધુ ભરાયો છે. આ વર્ષે જુલાઈમાં પડેલા વરસાદ 2021ની તુલનાએ બે ગણાથી પણ વધુ છે.

ડિઝેસ્ટર અને રેવેન્યુપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે સરકાર દ્વારા સ્ટેટ કોસ્ટલ ગાર્ડ દ્વારા છ લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે અને 39,177 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 17,394 લોકો પોતાનાં ઘરમાં પરત ફરી ચૂક્યા છે, જ્યારે 21,243 લોકોને વિવિધ સ્થળોએ શરણ લીધું છે. તેમને ભોજન સહિત પર્યાપ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.રાજ્યમાં વરસાદના પાણીમાંથી ફસાયેલા 570 નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજી પણ આઠ જિલ્લામાં રેડ એલર્ટ છે. રાજ્યમાં સાત જુલાઈથી અત્યાર સુધી 43 લોકોનાં મોત થયાં છે, જેમાં વીજળી પડવાથી વધુ મોત થયાં છે. આ સિવાય રાજ્યમાં 477 પશુઓનાં મોત થયાં છે.