રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્: અમદાવાદ 47 ડિગ્રી

અમદાવાદ: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં પડી રહેલી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. અમદાવાદમાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે વડોદરા 45 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર રહ્યું હતું. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી હીટ વેવની અસર વચ્ચે આજે સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો 43થી 45 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. રાજ્યમાં આકાશમાંથી રીતસર અગનગોળા વરસી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. આગામી દિવસમાં હજી વધુ ગરમી પડશે. અમદાવાદનું તાપમાન હજી ઊંચું રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગાંધીનગર, ઈડર, મહેસાણા, હિંમતનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં આ ગરમીથી બચવા માટે લોકો હાલ બહાર જવાનું પણ ટાળી રહ્યા છે અને ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. જોકે ચાર દિવસ બાદ આંશિક રાહત મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠાંની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.