સાયન્સ સિટીમાં બાળ ઉર્જા રક્ષક દળ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન

ગુજરાત સાયન્સ સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા બાળ ઉર્જા રક્ષક દળ (BURD) અંતર્ગત ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગુજરાતના ૧૧ જિલ્લાઓમાંથી કુલ ૨૭૫ શિક્ષકો અને કોમન સર્વિસ સેન્ટર (CSC)ના કો-ઓર્ડિનેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમ અંતર્ગત ઊર્જા ઉત્પત્તિથી લઈને ઊર્જા બચત સુધીની પ્રક્રિયા, નવીનીકરણીય ઊર્જા સ્રોતો અને Mission LiFE (Lifestyle for Environment) અંતર્ગત ઊર્જા ટકાઉપણું તેમજ પર્યાવરણ માટે જવાબદારીપૂર્ણ વર્તન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ અવસરે ઉપસ્થિત શિક્ષકો અને કો-ઓર્ડિનેટરોને પોતાના તાલુકા અને શાળાઓમાં Energy Ambassador બનીને સમુદાયમાં ઊર્જા બચતના સંદેશને ફેલાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ગુજરાત સાયન્સ સિટીનો સતત પ્રયાસ છે કે બાળકો અને યુવાનોમાં વૈજ્ઞાનિક ચેતના સાથે પર્યાવરણ અંગે જાગૃતતા વધે અને તેઓ એક જવાબદાર નાગરિક તરીકે ઊર્જા સંરક્ષણમાં યોગદાન આપે.