ચાંગાઃ ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સ (BDIPS)ના ઓપરેશન થિયેટર એન્ડ એનેસ્થેસિયા ટેક્નોલોજી વિભાગ દ્વારા વર્લ્ડ એનેસ્થેસિયા વીક નિમિત્તે “બિયોન્ડ0 ધ બ્લોક: એક્સપ્લોરિંગ રિસન્ટ એડવાન્સમેન્ટ્સ ઇન એનેસ્થેસિયા” નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ કોન્ફરન્સનું ઉદઘાટન PDPIASના પ્રિન્સિપાલ અને રિસર્ચ ડીન ડો. દર્શન પટેલ, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના ડીન ડો. ધ્રુવ દવે, BDIPS ના પ્રિન્સિપાલ પ્રો. હેમંત કુમારને હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
ડો. દર્શન પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન થિયેટર એન્ડ એનેસ્થેસિયા ટેક્નોલોજી વિભાગનું મેડિકલ ફીલ્ડમાં માતબર પ્રદાન છે. આ વિભાગના વિદ્યાર્થીઓએ કોવિડ-19ના કપરા સમયમાં અવિસ્મરણીય પ્રદાન આપ્યું છે, જે પ્રશંસનીય છે. આ વિભાગનું અનોખું મહત્ત્વ છે, કારણ કે તેમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને કાર્યરત સ્ટાફનો દર્દીઓ સાથે 24X7 ગાઢ સંપર્ક હોય છે અને તેઓ દર્દીઓને માનસિક સપોર્ટ આપતા હોય છે. ઓપરેશન થિએટરમાં ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા આપતી વખતે દર્દીઓ સાથેની આત્મીયતા દર્શાવતા હોય છે, જેનાથી તેમનાં દુઃખદર્દ ઓછાં થઇ જાય છે.
આ કોન્ફરન્સમાં ગુજરાત અને અન્ય રાજ્યોની વિવિધ મેડિકલ યુનિવર્સિટીઓમાંથી 137 ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં એનેસ્થેસિયા ટેક્નોલોજી અને AIની એપ્લિકેશન વિશે પ્રસિદ્ધ વક્તાઓ દ્વારા વિવિધ ચાવીરૂપ પ્રવચનો આપવામાં આવ્યાં હતાં. સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના સાગર પાટીલ દ્વારા રિજિયોનલ એનેસ્થેસિયામાં ઊભરતી પ્રથાઓ અને જટિલ એરવે સિસ્ટમની સમજ અને ક્રિટિકલ કેર પ્રોસીજર્સમાં તેના મેનેજમેન્ટ વિશે પ્રવચનો યોજાયાં હતાં. દરેક મહત્વપૂર્ણ વકતાઓ દ્વારા નિપુણ અનુભવો સાથે નિયમિત પ્રેક્ટિસની ખૂબ જ સરળ સમજ આપવામાં આવી હતી.