રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચનાં હાર્ટ એટેકથી મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ શહેરોમાંથી પાંચ લોકોનાં હાર્ટ એટેકથી મોત થયાના અહેવાલ છે, જેમાં રાજકોટમાં બે અને વડોદરામાં બે, જ્યારે અરવલ્લીમાં એકનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટમાં હાર્ટ એટેકથી બે લોકોનાં મોત થયાં હતાં, જેમાં શહેરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પ્રોફેસર મિતેશભાઈ ચૌહાણ અચાનક જ જતાં-જતાં ઢળી પડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મિતેશભાઈ કચ્છની નવોદય વિદ્યાલયમાં ફરજ બજાવતા હતા. આ સિવાય બીજા એક કિસ્સામાં રૈયા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય સુરેશભાઈ ગોહેલ એકાએક બેભાન થતા સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું મોત થયું હતું. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ બે લોકોનાં મોત થયાં હતાં, જેમાં તરસાલીમાં રહેતા 51 વર્ષના ભરત પરમાર અને વાસણા રોડ પરના સમીરભાઈ કૌલનું મોત થયું છે.

અરવલ્લી જિલ્લામાં હાર્ટએટેકથી એક વ્યક્તિનું મોત થયું છે જેમાં પ્રાથમિક વિગત મુજબ તત્વ ઈન્સિટયૂટના સુપરિન્ટેન્ડેન્ટ ઓસીન પલાતનું વહેલી સવારે હાર્ટ ફેલ થતાં મોત થયું હતું. આ યુવાનને હૃદયમાં અચાનક દુખાવો ઊપડતાં જ તે પલંગ પર જ ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ફરજ પર હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

હાર્ટ એટેકના કેસને લઇને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અભિષેક ત્રિપાઠીએ કહ્યું કે હાર્ટ એટેક આવવાનું એક કારણ અપૂરતી ઊંઘ છે. જો વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો હાર્ટ એટેકનો શિકાર બની શકે છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જનરલના પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ છ કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ 32 ટકા વધારે હતું.