ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણ અને ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન, સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક, અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ્સ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ્સ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ પણ પોલીસને સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, ખોટી માહિતી, અફવાઓ, અથવા સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટ્સનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો નોંધવા અને આવા તત્વો સામે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ગુજરાત પોલીસની ઈન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખાસ નજર રાખવામાં આવી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, સામાજિક વૈમનસ્ય ફેલાવનારી, અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ્સ કરી હોવાનું ધ્યાને આવ્યું. આ વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ખેડા અને ભૂજમાં 2-2 FIR નોંધાય છે તો જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ, ગોધરામાં 1-1 FIRનોંધાય છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો, અને ગુજરાતના સરહદી જિલ્લાઓ જેવા કે કચ્છમાં બ્લેકઆઉટ અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી.
