ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે રવિવારે ચોટીલા ચામુંડાધામ ખાતે હજારો માઈ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત સાડા પાંચ કિલોમીટરની ડુંગર પરિક્રમામાં એક લાખથી વધુ ભાવિકોએ ભાગ લઈને માતાજીના જયઘોષ સાથે પદયાત્રા પૂર્ણ કરી હતી. આ યાત્રા પૂર્વે યોજાયેલી ધર્મસભામાં મહંત પરિવારના અમૃતગિરિબાપુ (ગોપીનાથ), આત્માનંદ સરસ્વતીજી, શંભૂપ્રસાદ ટુંડીયા (ઝાઝરકા), પ્રેમબાપુ (સતરંગ) સહિત અનેક સંતો તેમજ માયાભાઈ આહિર, હેમંત ચૌહાણ, સોનાલીબેન દોષી જેવા ખ્યાતનામ કલાકારો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભામાં નવરાત્રીના મહાત્મ્ય સાથે રાષ્ટ્ર, ધર્મ અને સાંસ્કૃતિક ધરોહરની રક્ષા માટે માઈ ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું હતું.
ધર્મ જાગરણ સમન્વય દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, અને દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વખતે ચામુંડા માતાજીના જયકારા સાથે ધર્મ ધ્વજા દંડ આપીને યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. પદયાત્રા દરમિયાન ભાવિકો માટે સેવાભાવી લોકો દ્વારા ઠંડા ફળ, પાણી, શરબત સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જોકે, યાત્રાના રૂટ પર કાંટા અને કાંકરાવાળા રસ્તાઓને કારણે નાના બાળકો, વૃદ્ધો અને ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક પદયાત્રા કરતા માઈ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગામી વર્ષે ડુંગર પરિક્રમાનો માર્ગ સુધારવામાં આવે તેવી માગ ભાવિકો દ્વારા ઉઠી છે.
ચોટીલા હાઈવે પર ભાવિકોની ભીડને કારણે અડધા દિવસ સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય ટીમને એમ્બ્યુલન્સ સાથે તૈનાત રાખવામાં આવી હતી. આ યાત્રાએ ચામુંડાધામના પર્વત ફરતે ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયુ હતું, પરંતુ રસ્તાની સમસ્યાઓને લઈને ભાવિકોમાં નારાજગી પણ જોવા મળી હતી. આયોજકો અને સ્થાનિક વહીવટી તંત્રને આગામી વર્ષે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પગલાં લેવાની જરૂર છે.
